જૂનાગઢમાં ખાનગીકરણના વિરોધમાં ગઈકાલે સોમ અને આજે મંગળ એમ બે દિવસીય હડતાળમાં જુનાગઢ સહિત જિલ્લાના બેંક કર્મીઓ જોડાયા છે, જેને લઇને કરોડો રૂપિયાનો બેંક વહીવટ અટકી જવા પામ્યો છે, બીજી બાજુ આ આંદોલનને વેપારી તથા સામાજિક સંસ્થાઓ દ્વારા ટેકા જાહેર થયા છે.
ગઈકાલે ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મીઓએ સજ્જડ હડતાળ પાડી, દીવાન ચોકમાં અને આજે બહાઉદ્દીન કોલેજ સામે રિજિયોનલ બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને જૂનાગઢ માંગનાંથ કલોથ એન્ડ રેડીમેઇડ એસોસિયેશન તથા ખેડૂત હિત રક્ષક સમિતિ સહિતની અનેક સંસ્થાઓ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો
બેંક કર્મીઓ દ્વારા શરૂ કરાયેલ હડતાળના કારણો જણાવતા બેંક યુનિયનના દિલીપભાઈ ટિટિયાના જણાવ્યા અનુસાર, સરકારી બેંકોએ 45 કરોડ જન ધન ખાતા ખોલ્યા છે, જ્યારે ખાનગી બેંકોએ માત્ર 1.25 કરોડ જ જનધન ખાતા ખોલ્યા છે. પ્રજાને સસ્તા દરે ખાતામાં ઓછી બેલેન્સ સાથે ખેતઉદ્યોગો ઓછા વ્યાજે લોન આપે છે.પરંતુ સરકાર એસબીઆઇના ભોગે કોટક બેંકને ફાયદો કરાવી રહી છે. અને કેન્દ્ર સરકાર ખાનગીકરણ કરવા ઉતાવળી થઇ રહી છે ત્યારે ખાનગીકરણની ભવિષ્યમાં શું અસર થશે તેને ધ્યાને લઇને બેંક કર્મચારીઓ દ્વારા સોમ અને મંગળ બે દિવસીય હડતાળ પાડવામાં આવી છે. ગુજરાત બેંક વર્કસ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણી દ્વારા જણાવ્યા મુજબ, બેન્કોના ખાનગીકરણથી ખેડૂતો, શ્રમિકો, નાના કુટીર ઉદ્યોગ, ગૃહઉદ્યોગોને રાહત દરે મળતી લોનો પર તાળા લાગી જશે અને માલેતુજર ઉદ્યોગપતિઓને રાહત મળશે અને ગરીબો ખેડૂતોના હિતને નજર અંદાજ કરાશે. આ બધી બાબતોનો ભવિષ્યમાં શું અસર થશે તેને ધ્યાને લઇને જૂનાગઢના બેંક કર્મચારીઓ સોમ અને મંગળ એમ બે દિવસીય હડતાળ પર ઉતર્યા હોવાનું જાણવા મળેલ છે.
ધોરાજીમાં બેંક કર્મચારીઓ દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર
કેન્દ્ર સરકારનાં નાણાંમંત્રી નિર્મલા સિતારામન દ્વારા તાજેતરમાં બજેટ રજૂ કરવામાં આવેલ ત્યારે 2 સરકારી બેંકો અને વીમા કંપની નાં ખાનગીકરણ ની જાહેરાત કરવામાં આવેલ. તેના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ નાં સંયુક્ત યુનિયન – ” યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન” દ્વારા તારીખ 15 અને 16 માર્ચ નાં બે દિવસ ની દેશવ્યાપી હડતાળ નું એલાન આપવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં ધોરાજી શહેર અને તાલુકાની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો નાં કર્મચારીઓ હડતાળ પર ગયા હતા અને તમામ રાષ્ટ્રીયકૃત બેંકો સજ્જડ બંધ રહીં હતી. વ્યાપારીઓના અને લોકો નાં કરોડો રૂપિયાના વહીવટ ઠપ્પ થઈ ગયા હતા. આ અંગે કર્મચારીઓ સાથે વાત કરતાં એવી માહિતી મળી હતી કે આ રાષ્ટ્રવ્યાપી હડતાળ આમ જનતા નાં હિતમાં કરવામાં આવેલ છે. અત્યારે સરકારી બેંકો દેશનાં છેવાડાના વિસ્તારોમાં નાના માં નાના નાગરિક ને સેવા પુરી પાડે છે. સરકારી બેંકો રાષ્ટ્રના વિકાસ ની ધરોહર છે. ખેડૂતો, નાના અને મધ્યમ વર્ગના વ્યાપારીઓ, વિધાર્થીઓ, અને આમ જનતાને ઓછા વ્યાજના દર થી સહેલાઈથી ધિરાણ પુરૂ પાડે છે. સરકાર ની લોક કલ્યાણ ની યોજનાઓ સરકારી બેંકો જ લોકો સુધી પહોંચાડે છે. ખાનગીકરણ થતાં લોકો ની આ સુવિધા છિનવાઈ જાશે. સરકારી બેન્ક એ આમ આદમી ની બેન્ક છે જ્યારે ખાનગી બેન્ક એ ખાસ લોકો ની બેન્ક છે.ખાનગીકરણ થતાં બેન્કો નાં સર્વિસ ચાર્જીસ વધશે. ખેતધિરાણ અને અન્ય ધિરાણ મેળવવા મુશ્કેલ અને મોંઘા થશે. જનતા ની મરણ મૂડી ઉધોગપતિઓ નાં અસલામત હાથોં માં સોંપાશે. રાષ્ટ્રીયકરણ પહેલાં 1961 થી 1969 સુધી માં 235 ખાનગી બેન્કો બંધ પડી હતી. જ્યારે 2008 ની વિશ્વવ્યાપી મંદી માં અમેરિકા ની લેહમેન બ્રધર્સ જેવી જાયન્ટ બેન્ક નબળી પડી હતી ત્યારે ભારત ની રાષ્ટ્રીયકૃત બેંકો અડીખમ રહી હતી. આમ આવી સરકારી બેંકો નું ખાનગીકરણ કરી ઘડિયાળ નાં કાંટા ઉંધા ફેરવી જનતા ની જમા પુન્જી જોખમ માં ન મુકવી જોઈએ. આમ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પોતાનો 2 દિવસ નો પગાર કપાવી ને પોતાની લાગણી લોકો સુધી પહોંચાડવા નો અને માંગણી સરકાર સુધી પહોંચાડવા નો પ્રયત્ન કર્યો છે.