ગુજરાતમાં ત્રણેય બેંકો વચ્ચેનો માર્કેટ શેર ૨૨ ટકા રહેવાની સંભાવના જયારે અન્ય રાજયોમાં ૮ થી ૧૦ ટકા રહે તેવી આશા
બેંક ઓફ બરોડાનું જે વિલીનીકરણ વિજયા બેંક અને દેના બેંક સાથે થયું છે તે બાદ બેંક ઓફ બરોડા દેશની સૌથી મોટી બીજી પબ્લીક સેકટર બેંક બની ગઈ છે ત્યારે બેંક ઓફ બરોડાની ડિપોઝીટ ગુજરાતમાંથી દોઢ લાખ કરોડની થઈ છે. બેંક ઓફ બરોડાનું દેના બેંક અને વિજયા બેંક સાથે વિલીનીકરણ થતાં બેંકની ડિપોઝીટ ૧.૮૦ લાખ કરોડ પહોંચી છે જેમાં ૧.૫૦ લાખ કરોડ ગુજરાતમાંથી ડિસેમ્બર ૨૦૧૮માં આવ્યા છે જે બેંક ઓફ બરોડામાં અમદાવાદ ઝોનના જનરલ મેનેજર તુલસી બાગવલેએ જણાવ્યું હતું.
જયારે બેંકોના તમામ ટોટલ એડવાન્સ જો ગુજરાત રાજય માટે વાત કરવામાં આવે તો તે ૭૭ હજાર કરોડ રહેવા પામ્યું છે જેમાં એગ્રીકલ્ચરલ એડવાન્સ પેટે ૧૯,૫૦૦ કરોડ અને એમએસએમઈ ક્ષેત્રે એડવાન્સ ૧૫,૮૦૦ કરોડનું રહ્યું છે ત્યારે બેંકના અધિકૃત સુત્રોના જણાવ્યા અનુસાર વિલીનીકરણ થયેલી બ્રાંચોનો કુલ વ્યાપાર ૧૫ લાખ કરોડથી પણ વધશે ત્યારે ગુજરાતમાં એકાઉન્ટ હોલ્ડરોની વાત કરવામાં આવે તો તે ૩.૩ કરોડ રહેવાની શકયતા રહેલી છે ત્યારે વિલીનીકરણ થયા બાદ બ્રાંચોનું નેટવર્ક ૧૭૪૪ થશે અને ૨૧૬૯ એટીએમો પણ રહેવાપાત્ર રહેશે. વધુમાં બેંકના સુત્રોના જણાવ્યા અનુસાર વિલીનીકરણ થયા બાદ વિજયા બેંક અને દેના બેંક જે એકલા હાથે કાર્ય કરી રહ્યા હતા તેમાં હવે સુધારો થશે અને વહિવટ પણ મહદઅંશે સુધરશે.
વિલીનીકરણથી ગુજરાતમાં બેંકોનો ૨૨ ટકાનો માર્કેટશેર રહેશે જયારે ૮ થી ૧૦ ટકાનો માર્કેટ શેર મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને ઉતરપ્રદેશમાં રહેશે તેવી પણ આશા સેવાઈ રહી છે ત્યારે બેંકો પાસે હાલ ૮૫ હજાર કર્મચારીઓ નોંધાયેલા છે અને આ તમામ કર્મચારીઓ અને બેંકો દ્વારા રીટેઈન પણ કરવામાં આવ્યા છે ત્યારે એક વિશેષ વિભાગપણ ઉભો કરવામાં આવશે જેમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અને કર્મચારીઓના પ્રશ્ર્નોને સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ કરાશે.