જો સરકાર નહીં સાંભળે તો હડતાલ પાડશે, કોર્ટમાં જવાની પણ ચીમકી
નોટબંધી વખતે સરકાર માટે ચોવીસે કલાક કામ કરનારા બેન્કના કર્મચારીઓને હજુ સુધી આ વધારાનું કામ કરવાનું મહેનતાણું ચૂકવાયું નથી. આ ઘટનાને એક વર્ષ પૂરું થવાનું છે ત્યારે બેન્ક કર્મચારીઓ સરકાર તરફથી થયેલા આ અન્યાય સામે લડવાના મૂડમાં આવી ગયા છે અને તેમણે આ મુદ્દે કોર્ટમાં જવાનું અને હડતાળ પાડવાનું નક્કી કર્યું છે. સરકારી બેન્કના કર્મચારીઓના બનેલા યુનિયને ચીમકી આપી છે કે જો સરકાર આ અંગેનો નિર્ણય નહીં લે તો તેમને નાછૂટકે હડતાળ પાડવી પડશે. કેન્દ્ર સરકારે ૨૦૧૬માં ૮મી નવેમ્બરે ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેથી સર્ક્યુલેશનમાં રહેલી ૮૬ ટકા ચલણી નોટો ફરી બેન્કોમાં જમા કરાવવાનો વખત આવ્યો હતો. નોટબંધી જાહેર થતાં જ લાખો લોકોએ દેશભરમાં બેન્કોની બહાર ભીડ જમાવી હતી. લાંબી કતારોમાં ઊભા રહીને લોકો નોટો બેન્કમાં ભરવા આવ્યા હતા. એવા સમયે બેન્કોમાં કામગીરીનું ભારણ વધી ગયું હતું અને કેટલાક કિસ્સાઓમાં તો બેન્કના કર્મચારીઓને ૧૪ કલાક સતત કામ કરવાનો વારો આવ્યો હતો. તેમની રજાઓ પણ રદ થઈ ગઈ હતી. કેમકે, ચોતરફ દેશમાં હોબાળો મચી ગયો હતો. મોટાભાગના આ કર્મચારીઓ કે જેમણે વધારાના કલાકો સુધી કામ કર્યું હતું તેનું તેમને વધારાનું મહેનતાણું અને ઓવરટાઈમના પૈસા મળ્યા નથી.