બેંકોના ખાનગીકરણના વિરોધમાં આજે દેશવ્યાપી હડતાળ : રાજ્યના આશરે ૨૫ હજાર કર્મચારીઓ હડતાળ પર
બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંકના કર્મચારીઓ આજે દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. રાજકોટના આશરે ૧૮૦૦ જેટલા કર્મચારીઓ અને સૌરાષ્ટ્રના ૫ હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. બેંક કર્મચારીઓના હડતાળને પગલે કરોડો રૂપિયાના વહાઈવત ઠપ્પ થયા છે.
૧૦ જેટલા સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સના આશરે ૨૫ કરોડ જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા છે. જેની પાછળ જવાબદાર મુખ્ય કારણોમાં કૃષિ કાયદો તેમજ શ્રમિક કાયદો જવાબદાર છે. તેની સાથોસાથ બેન્કોનું ખાનગીકરણ, ડિપોઝીટ પર વ્યાજ વધારો, ભરતી પ્રક્રિયા સહિતના મુદ્દા જવાબદાર છે. ટ્રેડ યુનિયને મુખ્યત્વે કૃષિ કાયદા અને શ્રમ કાયદાને પ્રજા વિરોધી કાયદો ગણાવ્યો છે.
કેન્દ્ર સરકારે પ્રજા વિરોધી કામદાર વિરોધી, પ્રજા વિરોધી, ખેડૂત વિરોધી નીતિઓ અખત્યાર કરી શ્રમિક વર્ગ પર આક્રમણ કરી રહી છે અને તે સામે હવે સંઘર્ષના મંડાણ કરવાનું નક્કી કર્યાનું જણાવીને આગામી તા. ૨૬ નવેમ્બર ગુરુવારે સમગ્ર દેશની સાથે સૌરાષ્ટ્રના કામદાર સંગઠનો અને બેંક કર્મચારીઓ હડતાળ પાડી વિરોધ નોંધાવશે. ટ્રેડ યુનિનનોના જણાવ્યા અનુસાર જાહેર ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં હડતાળ પાડી વિરોધ કરવામાં આવશે. જેમાં બેંકોનું ખાનગીકરણ મુખ્ય છે. તે ઉપરાંત રેલવે, બંદર સહિતનું ખાનગીકરણ પણ અટકે તેવી માંગણી સાથે હળતાલ કરાઈ રહી છે.
બેન્કિંગ કર્મચારીઓ શા માટે જોડાયા છે હડતાળ પર ?
– બેંકોનું ખાનગીકરણ અટકાવવું
– કડક વસુલાત કરવી
– મજૂર કાયદામાં થયેલા સુધારાઓ પરત ખેંચવા
– બેંકોની શાખાઓ વધારવી
– બેન્કિંગ કર્મચારીઓની ભરતી કરવી
– જૂની પેંશન યોજના રદ્દ કરી નવી પેન્શન યોજના અમલી બનાવવી
કર્મચારીઓનું હિત ન જળવાતા હડતાળ પાડવાની ફરજ પડી : કે પી અંતાણી
બેન્કિંગ યુનિયનના કે પી અંતાણીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી બેન્કિંગ કર્મચારીઓના હિત જળવાતા નથી જેથી હડતાળ પર ઉતરવાની ફરજ પડી છે. જેમાં બેંકોના ખાનગીકરણ અટકાવવા, જૂની પેંશન યોજના રદ્દ કરી નવી પેંશન યોજના અમલી બનાવવી, વધુ બેન્કિંગ કર્મચારીઓની ભરતી કરવી, બેંકોનું મર્જર થવાથી કામગીરી પાણી વધી છે જેથી બેંકોની શાખાઓ વધારવી, મજૂર કાયદાઓમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને પરત ખેંચવા સાહિતની માંગણીઓ સાથે આજે રાજકોટના આશરે ૧૮૦૦ અને સૌરાષ્ટ્રના ૫ હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.