આજે દેશનો બેંકિંગ ઉદ્યોગ અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. જેમાં નવી ભરતીની માગણી, કર્મચારીઓના પગાર સુધારણાની માગણી, આઉટ ર્સોસિંગ, પાંચ દિવસીય બેંકિંગ કામગીરી ઉપરાંત બેંકોના વધેલા એન.પી.એ. સહિતના પ્રશ્ને તેમજ પોતાની પડતર માગણીઓ સાથે ઓલ ઇન્ડિયા બેંક કર્મચારી સંગઠનો દ્વારા આગામી દિવસોમાં હડતાળની જાહેરાત કરાઇ છે. જેમાં ડિસેમ્બર માસમાં બેંક વાઇઝ અને જાન્યુઆરીમાં રાજ્ય વાઇઝ હડતાળ પડાશે. જ્યારે 19 અને 20મી જાન્યુઆરીના રોજ બેંક કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી વિરોધ કરશે.દેશના આર્થિક વિકાસની સાથે બેંકોનો વિકાસ થવો જોઇએ શાખાઓ વધવી જોઇએ તથા સ્ટાફ પણ વધવો જોઇએ તેના બદલે બેંકોનું વિલિનીકરણ થઇ રહ્યું છે. આવા તમામ પ્રશ્ને બેંકો જાન્યુઆરીમાં હડતાલ કરશે.
19 અને 20મી જાન્યુઆરીના રોજ બેંક કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી વિરોધ કરશે
વર્તમાન સમયમાં બેંકોના ગ્રાહકોની સંખ્યા વધી છે. ધંધો પણ વધ્યો છે. જેની સામે બેંકોમાં કર્મચારીઓની ભરતી કરાઇ નથી. જેને કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે. સરકાર દ્વારા વિવિધ બેંકિંગ યોજનાની કામગીરી પણ વધી છે. જનધન યોજના અંતર્ગત 50 કરોડથી વધુ એકાઉન્ટ ખોલાયા છે. બેંકોમાં વધતા જતા ગ્રાહકોની સામે કર્મચારીઓની સંખ્યા નહીં વધતા ગ્રાહકોને યોગ્ય સેવા મળી રહી નથી. ભરતી સહિતની માગણીઓ અંતર્ગત સંગઠન દ્વારા આગામી દિવસોમાં હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા એસો. દ્વારા બેંકો દ્વારા જે હડતાળની જાહેરાત કરવામાં આવી છે જેમાં 4 ડિસેમ્બર પીએનબી, પંજાબ એન્ડ સિંધ બેંક તથા એસબીઆઇ, 5 ડિસેમ્બર બેન્ક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા, 6 ડિસેમ્બર કેનરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, 7 ડિસેમ્બર ઇન્ડિયન બેંક અને યુકો બેંક, 8 ડિસેમ્બર યુનિયન બેંક ઓફ ઇન્ડિયા તથા બેંક ઓફ મહારાષ્ટ્ર તેમજ 11 ડિસેમ્બર તમામ ખાનગી બેંક હડતાલ પર ઉતરશે.