મોરબીમાં જેતપર રોડ પાસે બેલા ગામ નજીક આવેલા એક બેંકના એટીએમમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ધૂમ ફિલ્મ સ્ટાઈલથી એટીએમને નિશાન બનાવી રફુચક્કર થઈ ગયા હતા. સૌરાષ્ટ્ર એટીએમ તોડતી ગેંગ સક્રિય થતા પોલીસમાં પણ દોડધામ મચી ગઇ છે. એક સપ્તાહ પૂર્વે જ રાજકોટમાં પણ બે એટીએમ તોડવામાં આવ્યા હતા. જેમાં જામનગર રોડ પર બે-બે બેંકના એટીએમ તોડી ગઠિયાઓ રૂ.૧૬ લાખની રોકડ ઉઠાવી ગયા હતા. ત્યારે ફરી એકવાર હવે મોરબીમાં એટીએમ તોડી તસ્કરોએ રૂ.૧૫.૭૦ લાખની મત્તા ચોરી જઈ પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલ સેવેન સેરા મોલમાં દુકાન નંબર-૪૭માં આવેલી યુનીયન બેન્કનું એટીએમમાં બપોરના સાડા બારેક વાગ્યા દરમિયાન કોઇપણ વખતે તસ્કરો ત્રાટકયા હતા અને એટીએમની નાણાની તીજોરી તોડી એટીએમમાં નુકશાન કરી તેમા રહેલ રૂ. ૧૫,૭૦,૫૦૦ની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી.

એટીએમમાં તોડફોડ કરી મોટો દલ્લો ચોરીની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે ડીવાયએસપી એચ.એન.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એમ.આર.ગોઢાણીયા સહિતની પોલીસની ટીમો સઘન તપાસ ચાલવી રહી છે. પોલીસે એટીએમના સીસીટીવી ફૂટેજ પરથી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.

મોરબી અગાઉ રાજકોટમાં પણ તસ્કરો દ્વારા જામનવર રોડ પર એકસાથે બે-બે એટીએમને નિશાન બનાવી તેમાંથી રૂ.૧૬ લાખની મત્તાનો હાથફેરો કરી હવામાં જ ગાયબ થઈ ગયા હતા. પોલીસને આ એટીએમ તોડતી ગેંગ ધૂમ ફિલ્મની સ્ટાઈલથી ચોરીને અંજામ આપતી હોવાની શંકા સેવાઇ રહી છે. કારમાં એટીએમ તોડવાના સાધનો સાથે આવીને ચોરીને અંજામ આપી કાર સાથે હવામાં ગાયબ થઈ જતી ટોળકીને ઝડપી પાડવા પોલીસે કમરકસી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.