કાબે અર્જુન લુંટયો વહી ધનુષ વહી બાણ !!
વિશ્વકપમાં આફ્રિકાનો સતત બીજો પરાજય
વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે એક રોમાંચકભર્યો મેચ જોવા મળ્યો હતો જેમાં અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યું હતું જેમાં પ્રથમ બેટીંગ કરતા બાંગ્લાદેશની ટીમે ૩૩૦ રનનો ટાર્ગેટ દક્ષિણ આફ્રિકાને આપ્યો હતો જેના જવાબમાં આફ્રિકા ૩૦૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકા માટે વિશ્વકપમાં તેની સતત બીજી હાર થઈ છે અને ફરી તે ચોકર્સ હોવાનું પણ સાબિત કર્યું છે.
બાંગ્લાદેશની ટીમ કોઈપણ રીતે આ મેચ જીતી શકે નહીં તેવું માનવામાં આવી રહ્યું હતું કારણકે આફ્રિકાનાં પેસ બોલરો અને તેની બેટીંગને જોતા એવું કદી લાગ્યું ન હતું કે બાંગ્લાદેશ આ મેચ જીતી શકશે ત્યારે બાંગ્લાદેશનાં બેટસમેનોએ ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરી અને સારી બોલીંગની સાથે તેનો પ્રથમ મુકાબલો આફ્રિકા સામે ૨૧ રને જીત્યો હતો ત્યારે ટીમનાં વિકેટ કિપર મુસ ફિકુર રહીમે ૭૮ રન જયારે સાકીબલ હસને ૭૫ રનની મદદથી ૫૦ ઓવરનાં અંતે ૬ વિકેટ ગુમાવી ૩૩૦ રન નોંધાવ્યા હતા.
આફ્રિકા ૩૩૧ રનનાં લક્ષ્યાંકને પહોંચવા માટે જયારે મેદાન પર ઉતરી તો તે ૫૦ ઓવરનાં અંતે ૮ વિકેટે ૩૦૯ રન નોંધાવ્યા હતા. આફ્રિકા માટે વિશ્વકપમાં આ સતત બીજી હાર થઈ છે. આફ્રિકા તરફથી રમતા ક્રિસ મોરીસ અને ઈમરાન તાહીરે બે-બે વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરતા આફ્રિકા ટીમનાં સુકાની ફાફ ડુપ્લેસીએ સર્વાધિક ૬૨ રનનું યોગદાન આપ્યું હતું જેમાં ડુમીનીએ ૪૫ રન, ઓપનર એડન મારક્રમે ૪૫ અને વેન ડેર ડયુસેનને ૪૧ રન બનાવ્યા હતા ત્યારે બાંગ્લાદેશ તરફથી મુસ્ત ફિઝુર રહેમાને સર્વાધિક ૩ વિકેટ ઝડપી હતી જયારે મોહમંદ સૈફુદીન ૨ વિકેટ જયારે સાકીબ અને મહેદી હસને એક-એક વિકેટ ઝડપી હતી. આફ્રિકાવતી લક્ષ્યાંકનો પીછો કરતા ઓપનર બેટસમેન ડિકોક ૨૩ રન બનાવી આઉટ થઈ ગયો હતો જેને ૩૨ બોલ રમી ૪ ચોગ્ગા લગાવ્યા હતા. એક સમયે ડેવીડ મિલર અને વેઈનડેર ડયુશન જયારે રમી રહ્યો હતો ત્યારે એવું પણ લાગતું હતું કે, કદાચ આફ્રિકા ટીમ તેનો બીજો મેચ જીતી જશે પરંતુ બાંગ્લાદેશની ચુસ્ત બોલીંગનાં કારણે ટીમ ધરાશાઈ થઈ ગઈ હતી અને ૨૧ રને પરાજય થયો હતો.