કાબે અર્જુન લૂંટયા, વહી ધનુષ વહી બાણ..

૧૨૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાનું ફક્ત ૬૨ રને ફિંડલું વળી ગયું!!

સોમવારે પાંચમી અને અંતિમ ટી20 ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 60 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ યજમાન બાંગ્લાદેશે સિરીઝ 4-1થી જીતી લીધી હતી. સાકીબ અલ હસન અને મોહમ્મદ સૈફુદ્દીનની આગેવાનીમાં બાંગ્લાદેશી બોલર્સે ઘાતક પ્રદર્શન કર્યું હતું. તેમની સામે ઓસ્ટ્રેલિયન બોલર્સ લાચાર જોવા મળ્યા હતા.

બાંગ્લાદેશે ટી20માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દ્વિપક્ષીય સીરિઝ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે પણ બાંગ્લાદેશનો આ પ્રથમ શ્રેણી વિજય છે. બાંગ્લાદેશે ઘરઆંગણે રમાયેલી છેલ્લી નવ મેચમાંથી આઠમાં વિજય નોંધાવ્યો છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટે 122 નોંધાવ્યા હતા. 123 રનના આસાન લક્ષ્યાંકના જવાબમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. મેથ્યુ વેડની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત 62 રનમાં જ આઉટ થઈ ગઈ હતી જે આંતરરાષ્ટ્રીય ટી20માં તેનો સૌથી નીચો સ્કોર છે.

બાંગ્લાદેશ માટે ઓપનર નઈમે સૌથી વધુ 23 રન નોંધાવ્યા હતા જ્યારે સુકાની મહમુદૂલ્લાહે 19 અને સૌમ્ય સરકારે 16 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે નાથન એલિસ અને ક્રિશ્ચિયને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ટર્નર, અગર અને ઝામ્પાને એક-એક સફળતા મળી હતી.ઓસ્ટ્રેલિયા માટે 123 રનનો લક્ષ્યાંક આસાન કહી શકાય તેવો હતો. જોકે, બાંગ્લાદેશી બોલર્સ સામે કાંગારૂ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. સુકાની ઓપનર મેથ્યુ વેડએ સૌથી વધુ 22 રન નોંધાવ્યા હતા જ્યારે બેન મેકડેરમોટે 17 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય એક પણ બેટ્સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા 13.4 ઓવરમાં 62 રને તંબૂ ભેગી થઈ ગઈ હતી.

બાંગ્લાદેશ માટે સાકીબ અલ હસને 3.4 ઓવરમાં 9 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ સૈફૂદ્દીને ત્રણ જ્યારે નાસુમ અહેમતે બે અને મહમુદૂલ્લાહે એક વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.