રૂપિયો મોટો થઇ ગયો
વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર ઘટાડા બાદ બે બેન્કોએ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં વેપાર વ્યવહાર શરૂ કરવાની યોજના બનાવી
બાંગ્લાદેશની બે મોટી બેંકોએ વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર ઘટાડા બાદ ભારતીય રૂપિયામાં વેપાર વ્યવહાર શરૂ કરવાની યોજના બનાવી છે. રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશી બેંકોનો ભારતીય રૂપિયામાં વેપાર કરવાનો નિર્ણય ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડીને વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કરવાનો છે.
અત્યાર સુધી, બાંગ્લાદેશ માત્ર યુએસ ડોલરમાં જ વેપાર કરે છે. જોકે બાંગ્લાદેશે અગાઉ પણ ઘણી વખત ભારત પાસેથી ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણની માંગણી કરી હતી અને જ્યારે ગયા વર્ષે ભારતે રૂપિયામાં વૈશ્વિક વેપારને મંજૂરી આપી હતી, ત્યારે હવે બાંગ્લાદેશ માટે ભારતીય રૂપિયામાં વેપાર કરવાનો માર્ગ ખુલી ગયો છે.
બાંગ્લાદેશની ઇસ્ટર્ન બેંક, જેણે ભારતીય સ્ટેટ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક સાથે ‘રૂપી ખાતું’ ખોલ્યું છે, તેણે રૂપિયામાં ટ્રેડિંગ માટે તેની યોજના જાહેર કરી છે. બાંગ્લાદેશમાં સરકારી માલિકીની ધિરાણકર્તા સોનાલી બેંકે પણ આ જ સેવા પ્રદાન કરવાની જાહેરાત કરી છે.
નોસ્ટ્રો એકાઉન્ટને તે બેંક એકાઉન્ટ કહેવામાં આવે છે, જ્યારે બેંક અન્ય દેશની બેંકમાં પોતાનું ખાતું ખોલે છે અને તે દેશની ચલણમાં તેનો વ્યવસાય કરે છે. આવા ખાતાઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપાર અને અન્ય વિદેશી વિનિમય વ્યવહારોના પતાવટ માટે થાય છે.
બાંગ્લાદેશ તરફથી જણાવાયું છે કે, “ભારત-બાંગ્લાદેશ વેપારમાં ભારતીય રૂપિયાનો ઉપયોગ સરહદ પારના વ્યવહારો કરવા માટે અનુકૂળ અને ખર્ચ-અસરકારક પદ્ધતિ પ્રદાન કરે છે, જે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવામાં ફાળો આપે છે.”
ચીન પછી બાંગ્લાદેશ ભારત સાથે સૌથી વધુ વેપાર કરે છે. ખાસ કરીને બાંગ્લાદેશ ચીન પછી ભારતમાંથી સૌથી વધુ આયાત કરે છે. જૂન 2022 સુધીમાં, ભારત બાંગ્લાદેશ પાસેથી 2 બિલિયન ડોલરનો માલ ખરીદતું હતું, જ્યારે બાંગ્લાદેશ ભારતમાંથી 13.69 બિલિયન ડોલરના માલની આયાત કરે છે. પહેલા બાંગ્લાદેશ આ પૈસા ડોલરમાં ચૂકવતું હતું, પરંતુ હવે બાંગ્લાદેશ ભારતને ભારતીય રૂપિયામાં ચૂકવશે.