ભારતે આપેલા ૨૬૬ રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમ ૧૩૪ રનમાં ઓલઆઉટ: ભારત વતી સુબમન ગીલ અને અભિષેક શર્માએ અર્ધી સદી ફટકારી

કોચ રાહુલ દ્રવીડની નિગરાનીમાં અન્ડર-૧૯ વર્લ્ડકપમાં સર્વોતમ પ્રદર્શન કરી રહેલી ટીમ ઈન્ડિયા આજે કવાર્ટર ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને ૧૩૧ રને કચડી અન્ડર-૧૯ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. કેપ્ટન પૃથ્વી સોની આગેવાનીમાં ભારતની આ સતત ૪થી જીત છે.

કવાર્ટર ફાઈનલ મેચમાં આજે ભારતીય સુકાની પૃથ્વી સોએ પ્રથમ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુબમન ગીલના ૮૬ રન, અભિષેક શર્માના ૫૦ રન, કેપ્ટન પૃત્વી સોના ૪૦ રન અને સૌરાષ્ટ્રના ફાફડા બેટ્સમેન હાર્વિક દેસાઈના ૩૪ રનની મદદથી ભારતીય ટીમે ૪૯.૨ ઓવરમાં ૨૬૫ રન બનાવી પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચમાં બાંગ્લાદેશની ટીમને ૨૬૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ભારતીય બોલરોની આગ ઝરતી બોલીંગ સામે એક પણ બાંગ્લાદેશી બેટ્સમેન ટકકર જીલી શકયો ન હતો. ૪૨.૧ ઓવરમાં બાંગ્લાદેશની ટીમ ૧૩૪ રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતે કવાર્ટર ફાઈનલ ૧૩૧ રને જીતી અન્ડર-૧૯ વર્લ્ડકપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત વતી સીવમ માલવીએ ૨, અભિષેક શર્માએ ૨ અને કે.એલ.નાગર કોટીએ ૩ વિકેટ ઝડપી હતી. બેટ અને બોલ વડે સર્વોત્તમ પ્રદર્શન કરનાર અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અન્ડર-૧૯ના વર્લ્ડકપના ખિતાબથી હવે ભારત માત્ર બે કદમ જ દૂર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.