જો ભારતીય બોલરો ઝડપથી વિકેટ નહીં ખેડવે તો ટેસ્ટ હાથમાંથી નિકળી જશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ના ફાઇનલમાં પહોંચવા માટે ભારતે તેની છ ટેસ્ટ મેચ જીતવી આવશ્યક છે ત્યારે બાંગ્લાદેશ સામે શરૂ થયેલી ટેસ્ટ સિરીઝ ના પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયું છે અને જીત તરફની આગેકુચ પણ યથાવત રાખી છે. પ્રથમ દાવમાં ચેતેશ્વર પુજારા સદી ચૂક્યો હતો જ્યારે બીજી ઈંનિંગમાં ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે સદી ફટકારી ભારતની જીત નક્કી કરી લીધી હતી ત્યારે આજે ચોથા દિવસની રમત શરૂ થાય ત્યારે ભારતીય બોલરો બાંગ્લાદેશના બેટસમેનોને ઝડપભેર આઉટ કરવા માટેનો તખ્તો તૈયાર કરશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં ખાતે રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમ બીજી ઇનિંગ રમવા મેદાનમાં ઉતરશે. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં બાંગ્લાદેશે 42 રન બનાવ્યા હતાઅને એક પણ વિકેટ ગુમાવી ન હતી. બાંગ્લાદેશને મેચ જીતવા માટે બે દિવસમાં 471 રન બનાવવા પડશે. બીજી તરફ ભારતે જીતવા માટે બાંગ્લાદેશને ઓલઆઉટ કરવું પડશે.
ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા. આ પછી 258 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. ચેતેશ્વર પૂજારાએ બીજા દાવમાં અણનમ સદી ફટકારી હતી. બાંગ્લાદેશે મેચના ત્રીજા દિવસે રમતના અંત સુધી કોઈ પણ નુકશાન વિના 42 રન બનાવી લીધા હતા. ટીમ માટે નજમુલ શાંતો 25 રન બનાવીને અણનમ છે. તેણે 42 બોલનો સામનો કરતી વખતે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ઝાકિર હસન 30 બોલમાં 17 રન બનાવીને અણનમ છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે.
ભારતે મેચના ત્રીજા દિવસે 258 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 500થી વધુ રનની લીડ મેળવી લીધી હતી. ટીમનો કેપ્ટન કેએલ રાહુલ બીજી ઈનિંગમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 62 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગીલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 152 બોલનો સામનો કરીને 110 રન બનાવ્યા હતા. શુભમનની ઇનિંગ્સમાં 10 ફોર અને 3 સિક્સ સામેલ હતી. ચેતેશ્વર પૂજારા એ અણનમ સદી ફટકારી હતી. તેણે 130 બોલમાં 102 રન બનાવ્યા હતા. પૂજારાએ આ ઇનિંગમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 29 બોલનો સામનો કર્યો હતો.