બનાસકાંઠા: ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.18 ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.13 નવેમ્બર, 2024 ના રોજ મતદાન તથા તા.23 નવેમ્બર, 2024 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવા સાથે 15 રાજ્યોની વિવિધ 48 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તથા 02 લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી ગુજરાતની 07-વાવ વિધાનસભા બેઠક માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.18 ઑક્ટોબરથી તા.25 ઑક્ટોબર, 2024 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે.
વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.15 ઑક્ટોબર, 2024 સુધીમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
07-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.15/10/2024 થી આદર્શ આચારસંહિતા લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.