કટ્ટર હરિફ સૂરવિરસિંહને ઉપપ્રમુખપદ અને તેમની જમીનમાંથી કોલસી કાઢવામાં વિધ્નરૂપ નહીં થવાની બનારાજાએ શરત સ્વીકારી

મુળી તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુ દેવા નાગરીક હકક સંરક્ષણ ધારાના ગુન્હામાં જામીન લાયક ગુન્હો હોવા છતા રાજકીય રીતે જામીન નહિ રજૂ કરી ઈરાદા પૂર્વક દસ દિવસ જેલમા ‘હઠાગ્રહ’ તરીકે કાઢ્યા અને તેમનો તથા સુરવિરસિંહનો જે બનારાજાને ખૂલ્લા પાડી બેઈજજત કરવાનો ઈરાદો હતો તે તો પાર પડી ગયો. ખરેખર તો એમ કહી શકાય કે પ્રેસ મીડીયા વાળાઓએ આ કિસ્સા સાથે, પૂર્વ ફોજદાર ગોસાઈ, બાબુભૈયા ટ્રીપલ મર્ડર કેસ, સરલા વાઘરી ખૂન કેસના જે ભયંકર ખોટા કારનામા હતા તેની સાથે આ ગુન્હાની બાબતમાં પણ મીઠુ મરચુ ભભરાવી સરખામણી કરી લોકોમાં ઉત્કંઠા અને લાગણી ઉભી કરી પ્રભુદેવા તરફે સહાનૂભૂતિનું મોજુ ઉભુ કરી દીધું હતુ!

પરંતુ આતો રાજકારણ, જાડી ચામડી, એક વખત ચૂંટાયા એટલે પછીની વાત પછી, જનતાની આ બાબતની સ્મૃતિ બહુ ટુંકી છે તેની આ રાજકારણીઓને ખબર હોય છે. ખાસ તો ચૂંટણી સમયે પહેલાના એક બે મહિનાના સમય જે મુદા ચર્ચામાં હોય અને દસ મહિનામાં આ લોકોએ જે નાટક કર્યા હોય તે બધા કુદરતી વિસ્મૃતિથી માફ ! અત્યારનું શું? તેજ સામાન્ય રીતે જોવાતું અને ચર્ચાતું હોય છે. જનતાની આ તાસીરનો રાજકારણીઓ ભરપેટ ઉપયોગ કરે છે અને ભોળી તથા વિસ્મૃત પ્રજા તેનું ભોગવે પણ છે.

પ્રભુદેવાએ આ ખોટા ગુન્હામાં ફીટ થઈ જવા છતા પ્રમુખ પદેથી રાજીનામુંતો આપ્યું જ નહિ. તેથી બનારાજાએ છેલ્લા અસરકારક હથીયાર ‘લક્ષ્મીપૂજન’નું આયોજન કર્યું. બનારાજાના જાસુસો ચારે બાજુ ફેલાયેલા હતા. ‘વિકલીસ’ની જેમ ફોજદાર જયદેવ ઉપર પણ રડાર મૂકેલા તે કેટલા વાગ્યે ઘેરથી નીકળે છે.ત્યાંથી રાત્રે કેટલા વાગ્યે ઘેર જાય છે. દિવસ દરમ્યાન કોણ કોણ મળવા આવ્યું શુ શું મહત્વના કાર્યો પોલીસ સ્ટેશનમાં થયા કયા ગામે કોને જઈ મળ્યા તે રોજેરોજની માહિતી તેને મળતી આ ફકત ફોજદાર જ નહિ મામલતદાર ટી.ડી.ઓ . ડોકટર અને હરીફ પ્રતિપક્ષના સૂરવિરસિંહની પણ આવી જીણવટ ભરી માહિતી બનારાજા પાસે રહેતી આમ બનારાજાએ ઈગ્લેન્ડના પૂર્વ પ્રેસીડેન્ટ બેન્જામીન ડીઝરાયલીનું સુત્ર as a general the most successfull man in life is the man who has the best informationપોતાના જીવનમાં સંપૂર્ણ રીતે આત્મસાત કર્યું હતુ અને તેમણે તેનો દૂરૂપયોગ ચાલુ કર્યો.

તેમના હરીફ સુરવિરસિંહ બધી રીતે મજબુત અને બુધ્ધીશાળી હતા, બોલવામાં, દલીલ કરવામાં, વિરોધ કરવામાં અને ડરકે ભય તેમને હતો જ નહિ. બનારાજાના વિકલીસ જાસુસો માહિતી લઈ આવ્યા કે સૂરવિરસિંહ અતિશય આર્થિક કટોકટીમાં છે. તેઓ પોતાનું ખાખરાથળનું વીડ જે તરણેતર થાનગઢના સીમાડે હતુ અને તેમાં અઢળક અને કિંમતી કાળુ સોનું કોલસી જમીનમાં ધરબાયેલી પડી હતી પરંતુ તે સમયે તે કોલસી કાઢવાનો સરકારનો પ્રતિબંધ હતો. ખાનગી લીઝ કોઈને અપાતી નહિ સુરવિરસિંહને જો કોલસી કાઢવાનો ચાર પાંચ મહિના જ મોકો મળે તો બખા થઈ જાય તેમ હતુ પરંતુ તેના કટ્ટર હરીફ બનારાજાના જાસુસો ગામે ગામ ‘રડાર’ની જેમ ગોઠાયેલ હતા. અને ફોજદર જયદેવ તો આવી વાત સાંભળવા જ તૈયાર થાય નહિ. તેથી સુરવિરસિંહે આ બાબતની હૈયાવરાળ કયાંક ઠાલવી હશે અને તે વિકલીસ રડારમાં થઈ બનારાજા પાસે પહોચી ગઈ.

બનારાજાને મનોમન થયું હં હવે બરાબર મોકો છે. આથી મનમાં ષડયંત્રો ગોઠવવાના ચાલુ કર્યા,. બેચાર નિષ્ણાંત મિત્રોની સલાહ લીધી પરંતુ કોલસી ખોદવી કબજામાં રાખવી કે હેરાફેરી કરવી તે ગેરકાયદેસર કૃત્ય હતુ. તમામ રીતે હવે જયદેવ વચ્ચે વિલનની જેમ આડો આવતો હતો. આમ તો આ કાર્ય રેવન્યુ ખાતાનું અને ખનીજ ખાણ ખાતાનું પરંતુ બહારના ક્ષેત્રમાં પોલીસ પોતાનું ‘સુદર્શનચક્ર’ બોમ્બે પોલીસ એકટ લગાડે, નહિ તો છેલ્લે ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૪૧ (૧ડી) ૧૧૦ શકપડતી મીલ્કતના કબ્જા માટેતો છે જ? તે લગાડીને પણ ગેરકાયદેસર કૃત્ય પકડી પાડે.

બનારાજાએ પોતાના પ્રતિસ્પર્ધી સૂરવિરસિંહને પોતાની પાસે અંગત કામના નામે બોલાવ્યા. મીઠી મીઠી અને લોભામણી અને લાલચ યુકત વાતો કરી આ સમય ખોટી રીતે બરબાદ નહિ કરી મોકાનો લાભ લઈ પૈસા બનાવી લેવા સલાહ આપી કે આ સમયમાં પૈસો જ સાચી લાયકાત, ઓળખ, સગા, મિત્રો જે ગણો તે છે આ સિવાય પણ લાલચ અને સત્તા મેળવવા માટેની ઠાંસી ઠાંસીને વાતો કરી ગળે ઉતારવા પ્રયત્નો કર્યા જેમ ભુખ્યો માણસ ચુરમાના લાડવાના કોળીયા ગળે ઉતારવા લાગે તેમ બનારાજાની વાતોના કોળીયા સુરવિરસિંહ ગળે ઉતારવા લાગ્યા સુરવિરસિંહે કહ્યું તે બધી વાત ખરી પણ આ ફોજદાર જયદેવ આમાં માને તેમ નથી તે કાયદાબાજ અને એકટીવ પણ ખૂબ છે.પોલીસમાં અને પ્રજામાં અરે તાલુકા પંચાયતમાં પણ તેના ખબરી છે. અહી જ બધી વાત આવી ને અટકે છે. બનારાજાએ કહ્યું તમે મને પ્રમુખ તરીકે ટેકો આપો પછી જુઓ. પ્રમુખ બન્યા પછી પણ જો ફોજદાર જયદેવ મારૂ ન માને તો તેનો સરકારમાંથી બદલી હુકમ ન લઈ આવું તો હું બનારાજા મટી જાઉ ! મા‚ તમને વચન બસ?

સુરવિરસિંહ પણ રાજકારણી હતા તેઓ જાણતા હતા કે એક વખત બનારાજા પ્રમુખ બની ગયા પછી કોઈનો ગજ લાગવાનો નથી તેવી તેની રાજકીય વગ, તાકાત અને હોશીયારી પણ હતી. પરંતુ સુરવિરસિંહ માટે પેલુ સંસ્કૃત વાકય ‘બુભુક્ષિતો કિંમ્ ન કરોતી પાપમ્!’ ભૂખ્યો માણસ શું ન કરે? સુરવિરસિંહે બનારાજાને કહ્યું તમે પછીની વાત મુકો મારો ધંધો અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલા શરૂ થઈ જવો જોઈએ તેવું ગોઠવો તો હું તમને ટેકો આપું બનારાજાને આ આકરૂ તો લાગ્યું કેમકે ફોજદાર જયદેવને મનાવવો એટલે સાંબેલામાંથી વાંસળીના સુર કાઢવા જેવું અધરૂ હતુ.

પરંતુ સત્તાનો નશો જ એવો છે કે જે મેળવવા માટે રાજકારણી માણસ કયારેય પ્રયત્ન પડતો મૂકતો નથી. નવા નવા રસ્તા શોધતો રહે છે. બનારાજા રીટાયર્ડ ડીવાયએસવપી ને મળ્યા પરંતુ તેમણે આ બાબતે હાથ ઉંચા કરી દીધા ‘પછી વિચાર્યું હાલમાં જયદેવના સંપર્કો કોની સાથે છે તેને જ યાદ આવ્યું કે ટીકર રસ્તા રોકો આંદોલન વખતે આંદોલનકારો વિ‚ધ્ધ જયદેવ રાયોટીંગની એફ.આઈ.આર. તૈયાર જ કરતો હતો તેમાં પોતાની પણ ઉશ્કેરણી અને સંડોવણી ખૂલવાની શકયતા હતી. તે મામલો મહાપરાણે ગામના પ્રતિષ્ઠિત આગેવાન દીલુભા ભગતે પાર પાડયો હતો. તેથી તેમનો જ ફરીથી ઉપયોગ કરવાનું નકકી કરી બનારાજા દીલુભા ભગતને મળ્યા અને ફોજદાર જયદેવને સુરવિરસિંહના ખાખરાથળ ના કામ ઉપર રેઈડ નહી કરવા સમજાવવા કહ્યું ભગતે કહ્યું હવે ફોજદારને વારંવાર ખોટુ કરવાનું કહેવું, મને મારી જાત પ્રત્યે અપમાન જનક લાગે છે. બીજો કોઈ પ્રયત્ન કરો બનારાજાએ કહ્યું રીટાયર્ડ ડીવાયએસપીને મળ્યો પણ તેમણે પણ ખોટુ ચાલવા દેવાની ભલામણ કરવાની ના પાડી દીધી.

મામલો બરાબર ગુંચવાયો પ્રમુખ પદ તૈયાર, સુરવીરસિંહ તૈયાર પણ તેમની શરત પૂરી કરવી ઘણી અઘરી હતી. આથી હવે બનારાજાને પોતની સત્તા સામે વિલન તરીકે સુરવીરસિંહને બદલે જયદેવનો ચહેરો ઉપસવા લાગ્યો.પરંતુ તેને ટેકેદારો એ સૂચના કરી કે જો જો હો આ ફોજદાર રાજકારણી નથી વિચારીને આગળ વધજો તેની પાસે કાયદાકીય કાયમી સત્તા છે અને તે ‘સત્તા પાસે શાણપણ નકામુ’ વળી ફોજદાર કોઈથી ડરતો નથી. અને કાયદે આઝમ પણ છે. તમે તો ઠીક પણ મદદગારીમાં અમારી પણ ‘કઢી બગાડી નાખશે’ બીજા સમજુતીના પગલા અને ઉપાયો શોધો આખરે બનારાજાએ જ ઉપાય શોધ્યો પોતાના સુરેન્દ્રનગરના સંપર્કો મારફતે પોલીસ વડાના પીએ (અંગત મદદનીશ)નો સંપર્ક કર્યો આ પીએ જમાનાના ખાધેલા અને ખડુસ હતા. તથા જીલ્લા આખામાં તેમનો રોલો ‘ચા કરતા કીટલી વધુ ગરમ’ જેવો હતો. તેમના મતે તો ફોજદાર જયદેવ હજુ ખાતામાં બાળક જહતો. જેમ શિવભકતો મંદિરે દર્શને જાય ત્યારે પહેલા પોઠીયાને પગે લાગે તેમ જીલ્લા આખાના પોલીસ અધિકારીઓ પોલીસ વડાને મળતા પહેલા આ પીએનાં દર્શન કરી ધન્યતા અનુભવતા, અને પીએનો દરેક શબ્દ પોલીસવડાના આદેશ તરીકે જ માની લેતા, આથી બનારાજા એક દિવસ રાત્રીનાં સમયે પીએને જ મુળી તેડી લાવ્યા અને દીલુભા ભગતના ઉતારે બેસાડી દીલુભા પાસે જ જયદેવને ચા-પાણી પીવા ઉતારે પધારવા આમંત્રણ અપાવરાવ્યું જયદેવ આ ભગતનો ઉતારો જે સ્વામીનારાયણ મંદિર પાસે જ હતો. ત્યાં આવ્યો. જોયું તો ઉતારામાં આ પી.એ. બનારાજા, દીલુભા ભગત, બટુકસિંહ વિગેરે ધૂરંધરો પણ બેઠા હતા. જયદેવ સમજી ગયો કે કાંઈક ગંભીર વાત લાગે છે. દીલુભા ભગતે કાલા સોના માટે સૂરવિરસિંહ એક પૂરતી છુટ આપવા વિનંતી કરી અને અત્યારે આ પોલીસ વડાના પીએ બેઠા છે. તે પણ કહે છે કાંઈ વાંધો નહી. આથી જયદેવે પીએને કહ્યું કે પોલીસવડા જાતે મને  કહે કે એક સૂરવીરસિંહ પૂરતો વાંધો નહિ તો હા માનુ બાકી ખોટી વાત. આ આયોજન પણ નિષ્ફળ ગયું.

પરંતુ હાર માને તો બનારાજા નહિ તે પહોચ્યા એલ.સી.બી.ના ફોજદાર ઝાલા પાસે અને યેનકેન પ્રકારે કાલાવાલા આજીજી કરી જયદેવને મનાવવા માટે કહ્યું ઝાલા જયદેવની જ બેચના જૂનાગઢ એક વર્ષ ટ્રેનીંગમાં સાથે રહેલા પીઢ, અનુભવી ખાતાકીય પ્રમોશન લઈને આવેલ એટલે વ્યવહારીકતા પણ ખૂબજ જયદેવને એજ જૂની સલાહ આપી કે આપણે અહી કયાં આખી જીંદગી કાઢવી છે બને તો વચલો રસ્તો કાઢવો, ‘સાપ મરી જાય અને લાકડી પણ ભાંગે નહિ’ તેવો જયદેવે કહ્યુ ભલે તમારી બાંહેધરી છે ને? જયદેવને આમેય ખૂબજ ભલામણો આવતી હતી તેથી કંટાળીને કોઈ વચલો (મધ્યમ) રસ્તો શોધતો જ હતો કે પોતાની પણ બેઈજજતી થાય નહિ.

બે ત્રણ દિવસ પછી ફરીથી દીલુભા ભગત જયદવે ને મળ્યા અને પુછયું કે ‘ખાખરાથળ’ વાળું શું વિચાર્યું? એટલે જયદેવે તેમને કહ્યું ‘આ તો તમારી જેવા પ્રતિષ્ઠીત અને સાચા માણસ છો એટલે કહું છું કે આ બનારાજા એક નંબરના સ્વાર્થી અને તક સાધુ છે. કામ પતી ગયા પછી તેમને માટે ‘હું કોણ અને તું કોણ’ તેવું છે તે જેવો તાલુકા પંચાયત પ્રમુખ બની જશે તેવો ‘આંકેલો સાંઢ ચોમાસુ ચર્યો’ તેમ વિફરીને સામાશીંગડા માંડશે અને કોઈને ગણશે નહિ. ભગતે જયદેવને કહ્યું ‘જયારે તમારી સાથે કે પોલીસ સાથે કાંઈ અવળચંડાઈ કરે તો મને કહેજો હું તેને મુળીમાં જ પગ મૂકવા નહિ દઉ તેટલી મારામાં તાકાત છે. આ મા‚ વચન છે.જયદેવે કહ્યું ઠીક સુરવિરસિંહ પૂરતી છૂટ પણ તે એક શરતે કે જો કોઈ અરજી થશે કે બહારની એજન્સી એક વખત પણ રેઈડ કરશે તો પછી હું બધુ ઢીંચણ જેવું કરી દઈશ. પછી મારી કોઈ જવાબદારી નહિ. જયદેવને મનમાં શંકા હતી જ કે એક વખત બનારાજા તાલુકા પ્રમુખ પદે બહુમતી પૂરવાર કરીને આવી ગયા પછી તે જાતે જ અરજી કરવાના હતા. કેમકે સુરવીરસિંહ જો પૈસાદાર થાયતો ભવિષ્યમાં કયારેક સામો થાય ને? આથી તેજ સુરવીરસિંહનો ઘડો લાડવો કરશે. તમામે સુરવિરસિંહની એ શરત કે ‘ખાખરાથળ બાબતે કોઈ અરજી કરશે નહિ કે કરાવશે પણ નહિ’વાળી સહર્ષ સ્વિકારી લીધી.

દીલુભા ભગતના ઉતારે બધા રાજકીય ધૂરંધરો એકઠા થયા બનારાજાએ બધાની હાજરીમાં સોગંદ ઉપર જાહેર કર્યું કે ‘પોતે ભવિષ્યમાં કયારેય ખાખરાથળ ખાણ બાબતે અરજી કરશે પણ નહિ અને કરાવશે પણ નહિ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે સૂરવિરસિંહ રહેશે’ તમામે ગોળધાણા ખાધા

બીજે દિવસે સુરવિરસિંહ ફોજદાર જયદેવને મળ્યા અને રાત્રે ગોળધાણા ખાઈને સમાધાન કર્યાની વાત કરી. જયદેવે સૂરવિરસિંહને પૂછયું ‘તમને બનારાજા ઉપર પાકો વિશ્ર્વાસ અને ભરોસો છે?’ તેમણે કહ્યું ‘આટલા બધા લોકોની હાજરીમાં સોગંદ ખાધા પછી શું? જયદેવને થયું કે જયારે વ્યકિત આર્થિક લાલચમાં આવે ત્યારે બધુ સારૂ સારૂ અને ભયમૂકત જ લાગતુ હશે! જયદેવે સુરવિરસિંહને ચેતવ્યા અને કહ્યું ‘તમે આ ખોટુ કરો છો તમારી હાલત નહિ ઘરના કે નહિ ઘાટના જેવી આલોકો કરી નાખશે હજી કોઈ જુના અનુભવીની સલાહ લઈ પછી આગળ વધવું સૂરવિરસિંહ પાછા રીટાયર્ડ ડી.વાય.એસ.પીને મલ્યા અને જયદેવે આપેલી ચેતવણીની વાત કરી તો તુરત રીટાયર્ડ ડીવાયએસપીએ કહ્યું ‘ફોજદારની વાત તદ્ન સાચી વાત છે. તમારાતો ‘બાવાની જેમ બેય બગડશે’ પરંતુ સુરવિરસિંહ સખત આર્થિક જરૂરીયાતમાં હશે અને તે જણ ઝાળમાં ફસાયો. અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખ પ્રભુદેવા સામે મૂકવાની કાર્યવાહી ચાલુ થઈ.

આ બાજુ ખાખરાથળમાં સૂરવિરસિંહે વીડમાં ખોદકામ ખાણનું ચાલુ કર્યું હજુ ઉપર ઉપર ચીનાઈ માટીના થર ચાર પાંચ ફૂટે આવ્યા હશે ત્યાં તો તાલુકા પંચાયત મુળીમાં પ્રમુખ સામેની અવિશ્ર્વાસ દરખાસ્તની મીટીંગની તારીખ આવી ગઈ. તમામે થયેલી સમજુતી મુજબ બહુમતીથી દરખાસ્ત પણ વિના વિઘ્ને પસાર થઈ ગઈ પ્રભુદેવાને આમતો કાંઈ ગુમાવવાનું હતુ નહિ. જેટલા મહિના વધુ ખેંચ્યું અને જેટલી પ્રસિધ્ધી અને સહાનુભૂતી મળી તે નફામાં જ હતી હવે તો તાલુકા પંચાયતમાં કાંતો આંગળી ઉંચી કરવાની અથવા વોક આઉટ (સભાત્યાગ) કરવાનો જ તેમના ભાગે બાકી રહ્યો હતો.

બનારાજા પ્રમુખ પદે અને સૂરવિરસિંહ ઉપપ્રમુખ પદ માટે ઘોષીત થયા. આ બાજુ બનારાજા સત્તાનશીન થયા તે સાથે જ પ્રમુખની ચેમ્બરનું જબરસ્ત રીનોવેશન થયું ચેમ્બરમાં અકે પેટા ચેમ્બર ખાનગી ગૂફતેગુ માટે બની જે સામાન્ય રીતે પ્રધાનોની ઓફીસોમાં જ હોય છે. તાલુકાના મિત્રો ટેકેદારો ફૂલહાર લઈ સ્વાગત કરી ગયા. અને જે સમચાઓ અને હજુરીયાઓ આ પહેલા બનારાજાને જોઈને રસ્તો બદલી નાખતા હતા. તેઓ તો અસામાન્ય મોટા માપના ફૂલહાર અને ફૂલદસ્તા લઈને ગળે લાગી અને ભેટી ભેટીને મળી ગયા, બીત ગઈ સો બાત ગઈ!

જીલ્લાના જે રાજકારણીઓ, ધારાસભ્ય પહેલા મૂળી બનારાજાના ઉતારે મળવા જતા તે હવે તાલુકા પંચાયતમાં આવવા લાગ્યા. ફરી એજ તાલુકા પંચાયત રાજય સિંહાસન બન્યું ‘પવન પાણી ભરી જાય અને વા વાસીદુ કરી જાય !’ તાલુકાના ગામે ગામથી તેમના ટાયા, જાસુસો, શિક્ષકો, તલાટીઓ, હોસ્પિટલના નર્સીંગ સ્ટાફ સહિતના મુળીમાં કોઈ પણ કામ હોય તો પહેલા તાલુકા પંચાયતમાં બનારાજાને કૂરનીશ બજાવીને વાતચીત કરીને પછી જ આગળ જવાનું ચાલુ કરી દીધું.

બનારાજા સર્વસત્તાધીશતો બની ગયા અને એજ જાહોજલાલી ચાલુ થઈ ગઈ. પરંતુ તેમની આ મખમલી ગાદી નીચે હજુ એક ડાભોળીયું તેમને ખૂંચતુ હતુ આ ડાભોળીયાને કેમ કાઢવું તેનું તેઓ અતિગંભીરતાથી આયોજન કરતા હતા. આ આયોજન આમ તો કારસ્તાન કે ષડયંત્ર જ કહેવાય તેનો અમલ કરવાનું પાકકુ કરી લીધું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.