મોરબી પાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા ચીફ ઓફિસરનું જાહેરનામું : રૂ.૧૦૦ થી લઈ ૨૫૦૦ સુધીનો દંડ
મોરબી નગર પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા ચીફ ઓફિસર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી ચા ના પ્લાસ્ટિકના કપ, પાણીના પાઉચ અને પ્લાસ્ટિકના ઝભલા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ઉપરાંત પાણીનો બગાડ રોકવા પણ દંડનીય જોગવાઈ કરી રૂ.૧૦૦ થી ૨૫૦૦ સુધી દંડ ફાટકારવાનું જાહેર કરતા હવે ધુળિયું મોરબી સ્વચ્છ બને તેવા અણસાર મળી રહ્યા છે.મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ નગર પાલિકા અધિનિયમ અંતર્ગત મળેલી સતાની રુએ જાહેરનામું બહાર પાડી લોકોના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ માટે નુકશાન કરતા પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું અમલી બનાવ્યું છે, જે અન્વયે પાન – માવામાં વપરાતા પ્લાસ્ટિક, પાણીના પાઉચ, ચા ના પ્લાસ્ટિકના કપ, પ્લાસ્ટિકના ઝબલા સહિતની પ્લાસ્ટિક આઈટમોના વપરાશ વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.
વધુમાં જાહેરનામા અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં કચરો ફેકનાર, ગંદકી ફેલાવનાર તેમજ બાંધકામ માટીરીયલનો નિકાલ કરવા પર પણ અંકુશ મુકવામાં આવ્યો છે અને આવા કૃત્ય બદલ રૂપિયા ૧૦૦ થી લઈ રૂપિયા ૨૫૦૦ સુધીના દંડની જોગવાઈ અમલી બનાવી સીઆરપીસી એક્ટ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાહેર કરાયુ છે.જો કે નગરપાલિકા દ્વારા જાહેરનામું અમલી બનાવતા પૂર્વે લોકોમાં જાગૃતિ આવે અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે કેળવણી આવે તે હેતુથી આગામી ૨૨ જૂન સુધી તંત્ર દ્વારા લોકોને દંડનીય કાર્યવાહીથી દંડવામાં નહિ આવે જો કે આ સમયગાળા દરમિયાન પાલિકા દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.