કોરોનાની હાલની સ્થિતિ અંગે રાજ્ય સરકાર પાસે બે દિવસમાં રિપોર્ટ માંગતી સુપ્રીમ કોર્ટ
કોરોના વાયરસના સંક્રમણનીના કેસમાં ગંભીર વધારો થયો છે. મહામારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતિ હોવા છતાં લગ્ન સમારંભો અને જાહેર મેળાવડાને મંજૂરી અપાતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. આગામી બે દિવસમાં રાજ્ય સરકારને કોરોનાની સ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું છે.
વળી અદાલતે ડિસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતિ વધુ વકરે તેવી દહેશત વ્યક્ત કરી છે. કોરોનાની હાલની સ્થિતિ સામે પહોંચી વળવા માટે રાજ્ય સરકારોએ શું ઉપાય કર્યા છે તેનો રિપોર્ટ માંગ્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ અને દિલ્હી એ ત્રણ રાજ્યો મળીને કુલ ચાર રાજ્યોને બે દિવસમાં સ્ટેટસ રીપોર્ટ આપવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.
ગુજરાત સહિતનાં ચારેય રાજ્યોમાં ડીસેમ્બર મહિનામાં સ્થિતી અત્યંત ગંભરી બની શકે છે એવી દહેશત પણ વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે અમદાવાદમાં ૫૭ કલાકનો સંપૂર્ણ કરફ્યૂ લગાવી દીધો હતો. આ ઉપરાંત રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નાઈટ કરફ્યુ લગાવ્યો છે.
કોરોના મહામારી તહેવારો બાદ વધુ વકરી છે, અધૂરામાં પૂરું લગ્ન સમારંભો અને જાહેર મેળાવડાના કારણે સંક્રમણનો વ્યાપ વધ્યો છે. આવી સ્થિતિમાં વડી અદાલતે ઝાટકણી કાઢ્યા બાદ હવે લગ્ન પ્રસંગો અને જાહેર સમારોહ ઉપર પ્રતિબંધ આવી જાય તેવી પણ શક્યતાઓ છે. અલબત્ત આ મામલે રાજ્ય સરકાર દ્વારા રજૂ થનારાં રિપોર્ટ બાદ વધુ વિગતો બહાર આવશે વડી અદાલત આ મુદ્દે વધુ સુનાવણી શુક્રવારે કરશે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની બેચ દ્વારા કેન્દ્ર સરકારને સવાલ કરવામાં આવ્યા છે કે, તેમણે દેશમાં કોરોનાના વધતા જતા કેસ સામે શું પગલાં લીધા છે. તે ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામમાં પણ વધતા જતા કેસના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેની માહિતી આપવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં લગ્ન સમારંભ અને જુદા જુદા સરઘસ તેમજ મેળાવડાની મંજૂરી બાબતે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ગુજરાતની સ્થિતિ કોરોના મામલે સૌથી ખરાબ છે અને તમે લોકોને ભેગા થવાની છૂટ આપો છો?
સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે અમને જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ભયંકર બની રહી છે અને ડિસેમ્બરમાં તે વધુ ખરાબ બનશે તો અમે તમને પૂછવા માગીએ છીએ કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમે શું પગલા લીધા છે. તેમજ કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે શું કર્યું છે તે અંગે વિગતવાર જણાવો.
ગુજરાત ઉપરાંત દિલ્હી રાજ્ય સરકારનો પણ કાન પકડતા કહ્યું કે દેશની રાજધાનીમાં જ જો સ્થિતિ બેકાબૂ હોય તો પછી અન્ય વિસ્તારોમાં શું હશે તેની અમે કલ્પના નથી કરી શકતા. દિલ્હીમાં બગડી રહેલી કોરોના સ્થિતિને લઈને રાજ્ય સરકારે શું પગલા ભર્યા છે તે અંગે જવાબ આપવા માટે કહ્યું છે.