રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાને કારણે કેસોની સંખ્યામાં રોજ વધારાની સંભાવનાને ધ્યાને લઈ તા. 15 એપ્રિલ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો, અરજદારોને જિલ્લા પંચાયત કચેરી તેમજ રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીઓમાં અત્યંત આવશ્યક નો હોય તેવા મુલાકાતીઓ, નાગરિકો, અરજદારોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
તા. 15 એપ્રિલ સુધી ગ્રામીણ વિસ્તારમાં રહેતા મુલાકાતીઓ, નાગરિકો, અરજદારોએ જિલ્લા પંચાયત રાજકોટ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મુલાકાત લેવી અત્યંત આવશ્યક હોય તો કચેરીના લેન્ડલાઈન નંબર 0281-2476022 અથવા વોટ્સએપ નં. 90333 00125 અને 0281 2477008 (જિલ્લા વિકાસ અધિકારી) ઉપર ફોન કરી સોમવાર થી ગુરુવારની એપોઇન્મેન્ટ મેળવી, નિયત દિવસે જિલ્લા પંચાયત ખાતે રેપિડ ટેસ્ટ કરાવીને જ મુલાકાત લેવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધતા હવે તંત્ર દ્વારા ધીમો ગતિએ આકરા નિર્ણયો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેવામાં કચેરીમાં કોરોના વકરે નહિ તે માટે તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ બીજી કચેરીઓમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાઈ તેવી શકયતા દેખાઈ રહી છે. હાલ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેફામ રીતે વધી રહ્યુ છે સામાન્ય લોકો સંક્રમિત થાય ત્યાં સુધી વાંધો નથી પણ કોરોના કાળમાં જેમની સેવાની તાતી જરૂરિયાત છે તેવા કોરોના વોરીયર્સ જો સંક્રમિત થાય તો પરિસ્થિતી વધુ વણશે તે નકકી છે.