ડાંગમાં વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડયા બાદ ૧૦ વિદ્યાર્થીઓના ભોગ લેવાયાની ઘટનાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત: હવે રાતના સમયમાં વિદ્યાર્થીઓની પ્રવાસ બસ થંભાવી દેવી પડશે
સુરતના અમરોલીના બાળકોની પ્રવાસ બસને ડાંગ નજીક અકસ્માત નડયો હોવાની ઘટના તાજેતરમાં ઘટી હતી. જેમાં ૧૦ જેટલા માસુમ બાળકોના મોત પણ નિપજયા હતા. આ ઘટનાને પગલે પણ નાયબ મુખ્યમંબી નિતીનભાઈ પટેલે જાહેરાત કરી છે કે રાત્રે ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધી વિદ્યાર્થીઓની પ્રવાસ બસના પૈડા થંભી જવા જોઈએ. આ સમયગાળા દરમિયાન પ્રવાસ બસને દોડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અમરોલીના બાળકોને ડાંગ જિલ્લામાં અકસ્માત નડયો હતો. બસ ચાલકની બેદરકારીના લીધે બાળકો સહિત ૧૦ જેટલા લોકોના મોત નિપજયા હતા. ૩૫થી વધુને ઈજાઓ પણ થઈ હતી. ઘટનાને પગલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછયા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડયા હતા. બસ ચાલકની લાપરવાહીના કારણે ૧૦ લોકોના જીવ આ અકસ્માતમાં હોમાયા હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. ઘટનાના પગલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે અમુક જાહેરાત પણ કરી છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, હવેથી ગુજરાત રાજયમાં રાત્રીના ૧૧ થી સવારના ૬ વાગ્યા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવાસ પર લઈ જતી બસ ફરજીયાતપણે રોકી દેવી પડશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની પ્રવાસ બસના પૈડા ફરજીયાતપણે થંભાવી દેવાના રહેશે. રાત્રીના સમયમાં પણ પ્રવાસ બસ ફરતી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શાળા-કોલેજ તેમજ ટયુશન કલાસીસમાંથી વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવામાં આવે છે. આ પ્રવાસ દરમ્યાન મોટાભાગનું અંતર રાત્રીના સમયગાળામાં કાપવામાં આવતું હોય છે. બાદમાં સવારના સમયે વિદ્યાર્થીઓને ફરવા માટે લઈ જવામાં આવે છે. રાત્રીના સમયમાં ખાનગી બસો પુરપાટ ઝડપે દોડતી હોય છે. વધુમાં કયારેક ડ્રાઈવરને જો ચાલુ ડ્રાઈવીંગે ઝોકુ આવી જાય તો બસમાં બેઠેલા પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. જેથી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓના પ્રવાસની બસ રાત્રે ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધી ફરજીયાત થંભાવી દેવી પડશે. રાત્રીના વિદ્યાર્થીઓને લઈને મુસાફરી કરવી એ ગેરકાનુની ગણવામાં આવનાર છે.
અછતની સહાયમાં બાકી ૧૭ લાખ ખેડુતો માટે અરજી સ્વીકારવાની મુદ્દત ૧૪મી સુધી લંબાવાઈ
અછતની સહાયનો લાભ લેવામાં બાકી રહેલા ૧૭ લાખ ખેડુતો માટે અરજીની તારીખ ૧૪મી જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે ૯૬ અછતગ્રસ્ત તાલુકાના ૨૨ લાખ ખેડુતો માટે સહાયની જાહેરાત કરી છે. જેમાં અત્યાર સુધીમાં માત્ર પાંચ લાખ ખેડુતોની જ અરજી મળી છે.
આમ ૧૭ લાખ ખેડુતો આ સહાયના લાભથી વંચિત રહ્યા છે ત્યારે તેઓને પણ સહાયનો લાભ મળે તેવા હેતુથી સહાયની અરજીની મુદત લંબાવવામાં આવી છે. આ મુદત ૧૪ જાન્યુઆરી સુધીની રાખવામાં આવી છે. જેથી હવે સહાયનો લાભ મેળવવામાં બાકી રહેલા ૧૭ લાખ ખેડુતો આગામી ૧૪મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે.