ભાવિકો છોલેલું શ્રીફળ લઇ મંદિરમાં પ્રવેશી શકશે નહી: મંદિરમાંથી બહાર નિકળ્યા બાદ શ્રીફળ વધેરવું પડશે
પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં આજથી માંઇભક્તો શ્રીફળ વધેરી શકશે નહીં. મંદીરના નવ નિયુક્ત ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય સામે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવે તેવા ભણકારા વાગી રહ્યા છે.
ભાવિકોએ છોલ્યા વિનાનું આખુ શ્રીફળ લઇ મંદિરમાં જવાનું રહેશે. માતાજી સન્મુખ શ્રીફળ રાખી મંદિરની બહાર શ્રીફળ વધેરવાનું રહેશે. અંબાજી મંદિરમાં મોહન થાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેની સામે ભક્તો અને વિવિધ સંગઠનો દ્વારા સતત 12 દિવસ સુધી આંદોલન ચલાવવામાં આવ્યું હતું. અંતે મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય ફેરવવામાં આવ્યો હતો. પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ગંદકી ઘટાડવા માટે મંદિરમાં છોલેલા શ્રીફળ લાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આટલું જ નહિ જો કોઇ વેપારી છોલેલું શ્રીફળ વેંચશે તો તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન આજથી આ નિયમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.
ભાવિકોએ માત્ર આખુ શ્રીફળ લઇ મંદિર પરિસરમાં આવવાનું રહેશે. માતાજી સન્મુખ આ શ્રીફળ રાખી ત્યારબાદ મંદિરની બહાર નિકળ્યા બાદ શ્રીફળને વધેરવાનું રહેશે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયથી ભાવિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આગામી દિવસોમાં ભક્તો, વિશ્ર્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
પાવાગઢમાં મંદિર પરિસરમાં ભાવિકોની સુવિધા માટે શ્રીફળ વધેરવાનું મશીન મૂકવામાં આવ્યું છે. જો કે માતાજી સમક્ષ શ્રીફળ વધારવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ભાવિકોમાં થોડી કચવાટ જોવા મળી રહી છે.