રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી તા. 13 સપ્ટેમ્બર-2024થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.
વધુમાં જણાવ્યા અનુસાર ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ, આ નિર્ણય કરાયો છે.
આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો, તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.