ભારતમાં ઉત્પાદિત દવાઓની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં : મનસુખ માંડવીયા

કેન્દ્રએ 31 કંપનીઓ પર દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે અને ગુણવત્તા નિયંત્રણના ધોરણોનું પાલન ન કરવા પર 50 કંપનીઓના ઉત્પાદન લાઇસન્સ રદ અથવા સસ્પેન્ડ કર્યા છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, 73 કંપનીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, અને 21 કંપનીઓ સામે ચેતવણી પત્રો જારી કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહીમાં મળી આવેલ કથિત ભેળસેળ અંગેના તાજેતરના વિવાદોની પૃષ્ઠભૂમિમાં ડ્રગ રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા સ્ટાન્ડર્ડ ક્વોલિટી (એનએસક્યુ)/ભેળસેળયુક્ત/બનાવટી દવાઓના ઉત્પાદનના જોખમમાં હોવાનું ઓળખી કાઢવામાં આવેલા ડ્રગ મેન્યુફેક્ચરિંગ એકમોના રાષ્ટ્રવ્યાપી નિરીક્ષણનું પરિણામ છે.

કેટલાક ઉત્પાદનો જેવા કે મુખ્યત્વે શરદી અને ઉધરસના કફ સિરપ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, તેની ગુણવતા નહીં જળવાતા આ પગલું લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉઝેબિકીસ્તાનમાં ભારતના કફ સિરપને લીધે બાળકોના મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન હેડક્વાર્ટર ખાતે બે સંયુક્ત દવા નિયંત્રકોની એક સમિતિની રચના કરવામાં આવી છે જે તપાસ, રિપોર્ટિંગ અને પછીની કાર્યવાહીની પ્રક્રિયા પર દેખરેખ રાખે છે જેથી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને તેના હેઠળના નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકાય.

મંગળવારે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ આ બાબતે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ તકે મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, એમએસએમઈ ફાર્મા કંપની માટે તે મહત્વપૂર્ણ છે. દવાઓની ગુણવત્તા પ્રત્યે સતર્ક રહેવું અને સ્વ-નિયમન દ્વારા સારી ઉત્પાદન પ્રક્રિયાઓ તરફ ઝડપથી આગળ વધવું જરૂરી છે.

તેમણે ડીસીજીઆઈને નકલી દવાઓ બનાવતી તમામ કંપનીઓ સામે કડક પગલાં લેવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ભારતમાં ઉત્પાદિત દવાઓની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તેવું માંડવીયાએ ઉમેર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.