સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન્સનું ગઠન કરાશે : ગેમિંગ એપ્લિકેશને પૂર્વ મંજૂરી લેવી પડશે!!
ઓનલાઇન ગેમિંગને લગતા મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સરકારે ઓનલાઇન ગેમિંગને લગતા નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં પૈસાની લેવડ-દેવડ કરતાં ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલના સમયમાં સટ્ટાબાજી એટલે કે પૈસાની હારજીત સાથે સંકળાયેલી અનેક ઓનલાઈન ગેમ્સનું ચલણ વધતું જઈ રહ્યું છે ત્યારે સરકારે ઘડેલા નવા નિયમો આ તમામ એપ્લિકેશનને મોટી અસર કરવા જઈ રહ્યું છે. ગુરુવારે સરકારે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
6 એપ્રિલના રોજ ઓનલાઈન ગેમિંગ સંબંધિત નવા નિયમો જાહેર કરીને સરકારે સટ્ટાબાજી સાથે સંબંધિત ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન્સ (એસઆરઓ)નો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો હતો.
ચંદ્રશેખરે દિલ્હીમાં મીડિયાને ત્યાં સુધી કહ્યું કે, ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિઓ સંબંધિત ઘણા એસઆરઓ બનાવવામાં આવશે જેમાં તમામ ક્ષેત્રણા હિતધારકોના પ્રતિનિધિઓ સામેલ હશે.
તેમણે કહ્યું, અમે એક ફ્રેમવર્ક સેટ કરી રહ્યા છીએ જે નક્કી કરશે કે એસઆરઓ દ્વારા કઈ ઓનલાઈન ગેમ્સને મંજૂરી આપી શકાય. એસઆરઓની સંખ્યામાં પણ મોટી હશે. ઓનલાઈન ગેમ્સને મંજૂરી આપવાનો નિર્ણય એ ધ્યાનમાં રાખીને લેવામાં આવશે કે આ ગેમમાં કોઈપણ રીતે સટ્ટાબાજી કે જુગારનો સમાવેશ થતો નથી. જો એસઆરઓને ખબર પડે કે ઓનલાઈન ગેમ પર બેટ્સ લગાવવામાં આવી રહ્યા છે, તો તે તેને મંજૂર કરશે નહીં.
મંત્રીએ કહ્યું કે ઓનલાઈન ગેમિંગ સ્ટાર્ટઅપ્સ માટે એક મોટી તક તરીકે ઉભરી આવ્યું છે. નવા નિયમો તેમની પરવાનગી અંગેની અસ્પષ્ટતાને દૂર કરશે. સરકારે સટ્ટાબાજી અને જુગારને લગતી જાહેરાતો અંગે ચેતવણી પણ જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે સટ્ટાબાજી સાથે જોડાયેલા પ્લેટફોર્મનો પ્રચાર ન કરવો જોઈએ.