પ્રજાના પ્રતિનિધિ જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન સમિતિની બેઠકમાં ગંભીરતા પૂર્વક સામેલ થતા નથી.અમુક કોર્પોરેટરો બેઠકમાં પણ મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોવાની વાત ધ્યાને આવી છે.દરમિયાન પ્રદેશ ભાજપમાંથી આદેશ છુટતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા હવે પછી સ્ટેન્ડિંગની સંકલન બેઠક અને જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરો મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહીં તેઓ એક લીટીમાં આદેશ આપી દેવામાં આવ્યો છે.બીજી તરફ કોર્પોરેશનના પાંચ પૈકી ચાર પદાધિકારીઓને સરકારી ગાડીની ફાળવણી કરવામાં આવી છે એકમાત્ર દંડક પાસે ગાડી નથી પાર્ટી દ્વારા હવે દંડક મનીષ રાડીયાને પણ ગાડીની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તેઓ માટે નવી ગાડીની ખરીદી કરવાના બદલે હાલ વિપક્ષે નેતાની જે જૂની ગાડી છે તેની ફાળવણી કરી દેવામાં આવશે. જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં કેટલાક કોર્પોરેટરો મોબાઇલમાં મશગુલ રહે છે

સ્ટેન્ડિંગની  પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લાદી દેતા શહેર ભાજપ પ્રમુખ:દંડક મનીષ રાડીયાને ગાડી ફાળવવાનો પક્ષનો નિર્ણય

આ અંગે અનેકવાર અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે આ વાત પ્રદેશ કક્ષા સુધી પહોંચી હોય આજે સવારે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં ભાજપના તમામ 68 કોર્પોરેટરોને એવો એક લીટીમાં આદેશ આપી દીધો છે કે આવનારી સ્ટેન્ડિંગમાં સંકલન બેઠકમાં એકપણ કોર્પોરેટર મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહીં. બેઠકમાં આવતા પૂર્વે તમામેં મોબાઈલ બહાર જમા કરાવી દેવાના રહેશે અથવા સ્વીચ ઓફ કરી દેવા પડશે.જનરલ બોર્ડમાં પણ આ જ નિયમનું પાલન નગરસેવકોએ કરવાનું રહેશે.જોકે બોર્ડમાં અખબારી પ્રતિનિધિઓ પણ હાજર હોય છે આવામાં તમામના મોબાઇલ લઈ લેવામાં આવે તો વિવાદ ઉભો થશે તેવું ધ્યાન એક સિનિયર નગર સેવકે દોરતા હાલ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સભા ગૃહમાં જામર લગાવી દેવામાં આવે જેના કારણે ત્યાં કોઈપણ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરી શકે નહી. હાલ સ્ટેન્ડિંગની સંકલનમાં કોર્પોરેટરોના મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં જનરલ બોર્ડમાં પણ આ પ્રતિબંધ ઝીંકી દેવામાં આવશે.આજે સંકલનમાં બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કોર્પોરેશનના પાંચ મુખ્ય પદ અધિકારીઓ પૈકી મેયર, ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા પાસે નેતાને સરકારી ગાડીની ફાળવણી કરવામાં આવી છે.એકમાત્ર દંડકને ગાડીની ફાળવણી કરાય નથી. અમદાવાદ સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દંડકને પણ સરકારી ગાડી ફાળવવામાં આવે છે જેને ધ્યાનમાં રાખી પક્ષ દ્વારા દંડક મનીષ રાડીયાને પણ સરકારી ગાડીની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ માટે નવી ગાડીની ખરીદી કરાશે નહીં. માત્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિપક્ષે નેતા પાસેથી જે ગાડી આંચકી લેવામાં આવી છે તે ટૂંક સમયમાં દંડક ને ફાળવી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.