ચાઈનીઝ તુકકલના વેચાણ અને વપરાશ, ઈલેકટ્રીક તાર ઉપર લંગર નાખવા તેમજ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડનાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે
આગામી તા.૧૪ના રોજ મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય ગ્રામ્ય વિસ્તારમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો જાહેરમાં રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલ પતંગો અને દોરા વિગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વિગેરે લઈ રસ્તાઓ, ગલીઓ, શેરીઓમાં દોડા-દોડી કરતા હોય છે. જેના કારણે ટ્રાફિકને અડચણ થાય છે. તેમજ રસ્તા ઉપર, ગલીઓમાં, શેરીઓમાં ટેલીફોન / ઈલેકટ્રીકના તાર ઉપર લંગર નાખી ભેરવાયેલા પતંગ કાઢવાનો પ્રયત્નો કરે તેથી બે ઈલેકટ્રીકના વાયરો ભેગા થવાથી શોટ-સર્કિટના તથા તાર તુટી જવાની સંભાવના રહેલી છે. તેમજ પતંગ ઉડાડવા માટે ઘણા લોકો ચાઈનીઝ દોરાથી પતંગ ઉડાડતા હોય છે. ચાઈનીઝ દોરો કોઈ વ્યકિતના શરીર પર પડે ત્યારે તે વ્યકિતના શરીરના અંગો કપાઈ જવાનો ભય રહે છે.
તેમજ પતંગ ઉડાડવાના દોરાના કારણે પક્ષીઓને ઈજા તથા તેમના મોતના બનાવો પણ બને છે. જે સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પરીમલ પંડયાએ જાહેરનામું પ્રસિઘ્ધ કરીને કોઈપણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગ ઉડાડવા ઉપર, હાથમાં લાંબા ઝંડા, વાંસની બાબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વિગેરે લઈ કપાયેલા પતંગો તથા દોરા મેળવવા જાહેર રસ્તાઓ પર અથવા જગ્યાઓમાં દોડા-દોડી કરવા ઉપર, ટેલીફોન કે ઈલેકટ્રીકના તાર ઉપર લંગર (દોરી) નાખવા ઉપર, જાનનું જોખમ થાય તે રીતે જાહેર રસ્તા પર કે ભયજનક ધાબા પર ચડીને પતંગ ઉડાડવા ઉપર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર, પ્લાસ્ટીક, સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ.
નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર, ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુકકલ, ચાઈનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર ઉડાડવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.