સાગર સંઘાણી
મોદી સરકાર બે જ મુદાના કાર્યક્રમ ઉપર સતત આગળ વધી રહી છે. એક તો મોદી મંત્ર-1 એટલે કે અર્થતંત્રનો વિકાસ અને બીજો મોદી મંત્ર-2 એટલે કે આતંકવાદનો સફાયો. બન્ને મંત્ર હાલ સફળતાની દિશામાં છે. ત્યારે આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જામનગર જિલ્લાના ૧૧ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ ૧૧ દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર ૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે.
આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
તેથી, પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ના ૪૫માં અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામું આગામી તા.14-05-2023 સુધી અમલમાં રહેશે.
પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલ ટાપુઓની વિગત
ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન-એ ટાપુ અને અનનોન-બી ટાપુ – આ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.