ત્રિવેણી સંગમમાં માત્ર અસ્થિ કે પિંડ વિસર્જન જ કરી શકાશે
નદીઓમાં કચરો અને પ્લાસ્ટીકનો કચરો ફેંકવામાં આવતો હોવાના કારણે પવિત્ર નદીઓનાં જળ પ્રદુશિત થતા હોય છે પ્રભાસ પાટણમાં આવેલા ત્રિવેણી સંગમ ખાતે આવતી કાલથી 60 દિવસ સુધી પુજાની સામગ્રી પ્લાસ્ટીકની કોથળીઓ અને કચરો નાંખવા પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. લોકો માટે અસ્થિ અને પિંડનું વિસર્જન જ ત્રિવેણી સંગમ ખાતે કરી શકશે.
ગીર-સોમનાથ જિલ્લામાં પ્રભાસ-પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ પવિત્ર યાત્રાધામ છે. જ્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. શ્રદ્ધાળુઓ નદીમાં વસ્તુઓ પધરાવતા હોય છે. જેથી નદીમાં વિસર્જન માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામુ બહાર પાડી વિસર્જન માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.
આ જાહેરનામા અનુસાર પ્રભાસ પાટણ મુકામે આવેલ તીર્થસ્થાન ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળિયેર, ફૂલો, માટીના વાસણો વગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટીકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જોકે, ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પીંડ વિસર્જન કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. આ જાહે2નામુ તા.22/12/2022થી 60 દીવસ સુધી અમલમાં રહેશે.