યુવાનોને આત્મહત્યા માટે દૂષ્પ્રેરણ કરનાર બ્લૂ વ્હેલ ગેમ પર રાજ્ય સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપેલી સૂચનાના પગલે મુખ્ય સચિવ અને ગૃહ વિભાગે બેઠક બોલાવ્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં બ્લ્યૂ વ્હેલ ગેમના ઉપયોગ તથા તેમાં મદદગારી પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને સૂચના મંત્રાલય દ્વારા તમામ સર્વિસ પ્રોવાઇડરોને તેમના પ્લેટફોર્મ પરથી આ ગેમને દૂર કરવા વિનંતી કરાઇ છે.
આઇટી ટીમ સતત કરી રહી છે મોનિટરિંગ
બીજીતરફ સરકારે આ ગેમ લોકો સુધી પહોંચે જ નહીં તેની કવાયત પણ શરૂ કરી છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની આઇટી ટીમ કામે લગાડવામાં આવી છે. બ્લૂ વ્હેલ ગેમ્સ પર પ્રતિબંધની સાથે યૂઝર્સ આ ગેમડાઉનલોડ કરી કે રમી ન શકે તે માટે તેની લિંક આપતા હોય તેવા 8 જેટલા યુઆરએલ પ્રાથમિક તબક્કે આઇડેન્ટિફાય કરીને બ્લોક કરાયા છે. જેથી આ ગેમની લિંક ઉપલબ્ધ થશે નહીં. સાથે આઇટી ટીમ સતત મોનિટરિંગ પણ કરી રહી છે. આ પ્રકારના અન્ય યુઆરએલ શોધીને તેને પણ બ્લોક કરાશે. સર્વર ચેન્જ કરીને કોઇ સાઇટ લિંક આપવાનું શરૂ કરે તો તેને તે સર્વર પર પણ બ્લોક કરવામાં આવશે.અન્ય નામ ધરાવતી સમાન ગેમ્સ પણ બ્લોક થશે.