ફટાકડા ફોડવા એ જાહેર ‘ન્યુસન્સ’
જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળની મુખ્યમંત્રીને રજુઆત
રાજયમાં ફટાકડા ફોડવા ઉપર જન આરોગ્યની જાળવણી માટે તુરંત પ્રતિબંધ લાદવા જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના પ્રમુખ દીપાબેન વી.કોરાટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ માંગ કરી છે.
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીને વધવા લાગી છે. શિયાળાની ઠંડી ઋતુનો કોરોનાના દર્દીઓ ફરી વધશે તેવો ભય ‘વિશ્ર્વ આરોગ્ય સંસ્થા’એ વ્યકત કર્યો છે.
આરોગ્ય નિષ્ણાંતોના અનુભવ પ્રમાણે કોરોના વધવાનું મુખ્ય કારણ હવામાં વધતું પ્રદુષણ ગણવામાં આવે છે. ગુજરાતમાં દિવાળીના પ્રસંગની ઉજવણીમાં લાંબા સમય સુધી ફટાકડા ફોડવાની પ્રણાલીકા બની ગઇ છે. ઉત્સવની ઉજવણી વખતે રાત્રીના લગભગ આખી રાત મોટા અવાજના ફટાકડાઓ આખા ગુજરાતમાં ફોડવામાં આવે છે. આ પ્રકારે ફટાકડા ફોડવાની પ્રણાલીકા મોટા પ્રમાણમાં નાણાનો વ્યય અને જાહેર આરોગ્યને નુકશાન પહોચાડવાનો છે.
ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવાથી આર્થિક તંગી ભોગવતી ગુજરાતની જનતાને લાભ થશે અને કોરોનાન દર્દીઓ ગુજરાતમાં વધશે નહીં. આમ ફટાકડા ફોડવાએ જાહેર ન્યુસન્સ અને પરિતાપ સમાન છે.
ભારતના કેટલાક રાજયોએ સાવચેતી ખાતર ફટાકડા ફોડવા ઉપર સરકારી આદેશથી પ્રતિબંધ મૂકી દીધેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ તેવું જાહેર કરેલું છે કે કોરોનાની હાલ કોઇ દવા નથી ત્યારે સાવચેતી એજ સલામતી છે.
ઉપરના સર્વે સંજોગોને ઘ્યાનમાં લઇ અમારી સંસ્થા દ્વારા રાજયમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસે માંગણી કરવામાં આવી છે. આ માંગણીની નકલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ પાઠવવામાં આવી છે.
ગુજરાત રાજયની સ્વૈચ્છીક સંસ્થાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, રાજકીય પક્ષોના અગ્રણીઓ અને આમ જનતાએ ગુજરાત રાજયના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાગવાની માંગને લોકહિત માટે બુલંદ કરવાની જરીર છે તેમ જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળે જણાવ્યું છે.