સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસ આમને સામને
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મળેલી ખાસ સામાન્ય સભાની બેઠકમાં ભાજપે વિરોધ પક્ષની જબરી ભૂમિકા નીભાવી હતી. ઘણા મુદ્દાઓને લઇને ભાજપે ઉઠાવેલા સવાલો સામે સત્તાધારી પક્ષ કોંગ્રેસે જવાબો રજૂ કરતા ગરમાવો ફેલાઇ ગયો હતો. જેમાં ખાસ કરીને ચોટીલા તાલુકાના સાત ગામોનો રાજકોટમાં સમાવેશ કરવા જેવો મુદ્દો ચગ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપને પછાડીને કોંગ્રેસે સત્તા મેળવ્યા બાદની મોટાભાગની સભામાં ભાજપના સદસ્યો દ્વાર ઉઠાવવામાં આવતા મુદ્દાઓને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં પણ ભાજપે કોંગ્રેસની બોડી સામે વિરોધ સાથે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ ખાચર, ઉપપ્રમુખ સવીતાબેન મેટાળીયા, કારોબારી ચેરમેન દિનેશભાઇ પટેલ, વિરોધપક્ષના નેતા હરદેવસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડો. મનીશકુમાર બંસલ સહીત ભાજપ-કોંગ્રેસના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિરોધપક્ષના નેતા હરદેવસિંહ પરમારે સભા દરમિયાન ડીડીઓના મકાનના રિનોવેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉપરાંત દેવચરાડીમાં તળાવના કામ બાબતે બ્લેક લીસ્ટમાં મૂકવામાં આવેલ દેદાદરાની કે.બી.સીંધવ એજન્સીને ફરીથી કામ આપવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા સહાયના ચેક બાબતે પણ ભાજપે સવાલ ઉઠાવ્યા હતા. તો બાંધકામ સમિતિએ બિલો વંચાણે લઇ કાર્યવાહી કરવા આપેલા આદેશ સામે પણ ભાજપે વિરોધ વ્યકત કર્યો હતો. આટલુ નહી પરંતુ બજેટના આંકડા બાબતે પણ ભાજપના સદસ્યોએ વિરોધ વ્યકત કર્યો હતો. જિલ્લાપંચાયતની કાર્યવાહી નીયમ અનુસાર કરવામાં આવે છે. ભાજપ અત્યારે વીરોધપક્ષમાં છે. તેમનું કામ વીરોધ કરવાનું છે. અમે પણ ઇચ્છીએ છીએ કે, ભાજપ વીરોધ કરી અમારૂ ધ્યાન દોરે જેથી વધુમાં વધુ પ્રજાના કામો અમો કરી શકીએ તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ ખાચરએ જણાવ્યું હતું….આ ઉપરાંત સુરેન્દ્રનગર ડીડીઓ ૧૯૬૩ થી જે મકાનમાં રહે છે તે સ્ટેટનું મકાન છે. મકાનનું તાજેતરમાં રૂપિયા ૫.૯૦ લાખના ખર્ચે કરાવેલુ રીનોવેશન નિયમ વિરૂધ્ધનું હોવા બાબતે વિરોધપક્ષના નેતા હરદેવસિંહ પરમારે વિરોધ કર્યો હતો. મકાનનું કોઇ ભાડુ નથી આપતા અને ઘણા વર્ષો થયા હોય રિનોવેશન કરાવવુ જરૂરી હોવાથી ખર્ચ કરેલ હોવાનું પ્રમુખ ચેતનભાઇ ખાચરે જણાવ્યુ હતુ. ચોટીલા તાલુકાના ૭ ગામોને રાજકાેટમાં ભેળવવા ખાસ સામાન્ય સભા બોલાવાઇ હતી. જેમાં બામણબોર, નવાગામ, જીવાપર અને ગુંદાળાને રાજકોટમાં ભેળવવા બહાલી અપાઇ છે. જયારે ડોસલીધૂના અને લોમાકોટડીના ગામોએ હિજરતની ચીમકી આપીને રાજકોટમાં ભળવા ઇન્કાર કર્યો છે. આથી ડોસલીધૂના, લોમાકોટડી અને ગારીડા ગામમાં આગામી સમયમાં ગ્રામસભા બોલાવી બહુમતીથી જે નિર્ણય આવે તેને માન્ય રાખવામાં આવશે.