મામલતદારે આપેલા ત્રણ ઓર્ડર પર સ્ટે, નોટિસ: સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના વીડી માટેના હુકમ અને જિલ્લા વિકાસ અધિકારીનાં બિનખેતીનાં ત્રણ હુકમને એસએસડીઆરમાં રીવીઝન અર્થે મોકલતા રાજકોટ જિલ્લા કલેકટર
ચોટીલા તાલુકામાંથી વિભાજીત થઈને રાજકોટ તાલુકામાં ભળેલા બામણબોર અને જીવાપર ગામે ૪૦૦ એકર જમીન ખાનગી ઠેરવી દેવાના પ્રકરણમાં મામલતદારે કરેલા ત્રણ ઓર્ડર પર રાજકોટ જિલ્લા કલેકટરે સ્ટે આપીને નોટિસ ફટકારી છે. સુરેન્દ્રનગરના કલેકટરે કરેલા વીડી માટેના હુકમ તેમજ જિલ્લા વિકાસ અધિકારીના ત્રણ હુકમને એસએસડીઆરમાં રીવીઝન માટે મોકલવામાં આવ્યા છે.
રાજકોટ તાલુકાના બામણબોર અને જીવાપર ગામ જયારે ચોટીલા તાલુકામાં હતા ત્યારે કુલ ૪૦૦ એકર જમીન ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ પુત્રીઓને ખેતીની જમીન મળવાપાત્ર ન હોવા છતાં અધિકારીઓએ ફાળવી દીધી હતી. બામણબોરની સર્વે નં.૧૯૦–૧૩ ગુઠા, સર્વે નં.૯૮ પૈકી ૩૩ એકર અને ૩૪ ગુઠા તેમજ જીવાપરની સર્વે ૮૪ પૈકી ૫૫ એકર ૧૪ ગુઠા, સર્વે નં.૪૭ પૈકી ૧૭૧ એકર અને ૧૧ ગુઠા જમીનનો કેસ તાજેતરમાં નાયબ કલેકટર જશવંત જેગોડાએ રીવીઝનમાં લીધો હતો. પ્રાંત અધિકારીએ રામભાઈ નાનભાઈ ખાચર, રાજેશભાઈ રામકુભાઈ ખાચર, સરોજબેન રામકુભાઈ ખાચર તેમજ સ્વ.નાનભાઈના વારસદાર ઈન્દ્રાબેનને નોટિસ ફટકારી હતી. આ સમગ્ર પ્રકરણ ચોટીલા તાલુકાનું છે પરંતુ હિરાસર એરપોર્ટ પ્રોજેકટના કારણે ચોટીલા તાલુકાના પાંચ ગામોનો રાજકોટ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં જીવાપર અને બામણબોરનો રાજકોટમાં સમાવેશ કરાયો હતો. આ પ્રકરણમાં ૨૯ વર્ષ બાદ ચોટીલાના તત્કાલિન મામલતદારે કેસ હાથમાં લઈ ચુકાદો આપ્યો હતો. હકિકતમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે હોવા છતાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કલમ ૬ (૩)(બી) અને ૬ (૩)(સી) હેઠળ બહેનો કે દિકરીઓને જમીન મળવાપાત્ર ન હોવાછતાં તેમને ગેરકાયદે જમીન આપવામાં આવી હોવાનું ખુલ્યું હતું.
વધુમાં આજે રાજકોટ જિલ્લા કલેકટરે મામલતદારને આપેલા ત્રણ ઓર્ડર પર સ્ટે આપીને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે વીડીની જમીન માટે જે હુકમ કર્યો હતો તેને તેમજ જિલ્લા િવકાસ અધિકારીએ કરેલા બિનખેતીના ત્રણ હુકમને એસએસડીઆરમાં રીવીઝન અર્થે મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.