ભાવિકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે કલેકટરની અધ્યક્ષતામાં બેઠકમાં સાધુ-સંતો અને પદાધિકારીઓની સહિતની ઉપસ્થિતિ
ભક્તિ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા ભવનાથના મહાશિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ તંત્ર દ્વારા તૈયારીઓને આખરીઓ પણ આપવામાં આવી રહ્યો છે. જરૂરી તમામ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, એસટી વિભાગ દ્વારા ગુજરાતના તમામ સ્થળો માટે અને ભવનાથ જવા માટે એસટી બસની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ સાથે આ મેળામાં દેશ વિદેશના લાખો ભાવિકો ભવનાથ ખાતે આવતાં હોવાથી મેળાના સૂચારૂ આયોજન અને લોકો માટે જરૂરી વ્યવસ્થાઓનું યોગ્ય સંકલન થઈ શકે તે માટે કલેક્ટર રચિત રાજના અધ્યક્ષત્તામાં સાધુ-સંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં સફાઈ, ટ્રાફિક, સુરક્ષા, ઉતારા મંડળની વ્યવસ્થાઓ સહિતના મુદ્દે પરામર્શ કરવામાં આવ્યો હતો.
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં ભવનાથ તીર્થક્ષેત્રના હરીગીરીજી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, શૈલજાદેવીજી, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર સહિતના ગણમાન્ય સાધુ-સંતો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટર રચિત રાજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓની વિગતો આપી હતી. સાથે જ સાધુ-સંતોના આશીર્વાદથી શ્રેષ્ઠ મેળો યોજાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, નગરસેવક એભાભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, યોગી પઢીયાર, ભાવેશભાઈ વેકરિયા, મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના સંતો-મહંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ગરવા ગિરનારની ગોદમાં મહાવદ નોમથી મહાશિવરાત્રી મેળો યોજાય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થાય છે. આથી અકસ્માતો નિવારવા અને લોકોની અવર-જવરને અડચણ ન થાય તે માટે જૂનાગઢ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણિયાએ એક જાહેરનામુ બહાર પાડીને તા.15/02/2023 થી તા.19/03/2023 સુધી ઉંટગાડી, ઘોડાગાડી, બળદ ગાડી જેવા વાહનો માટે ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા માટે પ્રવેશ બંધી ફરમાવેલ છે.
ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે પરંપરાગત રીતે શિવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં બહોળી સંખ્યામાં જિલ્લામાંથી તથા બહારના વિસ્તારમાંથી યાત્રાળુઓની અવર-જવર રહેતી હોય, મેળામાં અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા અને સ્ફોટક પદાર્થોથી આગ લાગવાનો સંભાવના રહે છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ એક જાહેરનામુ બહારપાડીને ભવનાથ ખાતે યોજાતાં મેળા ક્ષેત્ર અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા ફોડવા અને સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવેલ છે.