શિક્ષણ વિભાગ અને સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા ‘વાર્તાથી વાવેતર’ કાર્યક્રમ 7 જીલ્લામાં યોજાયો
બાળવાર્તા એ માંના દૂધ પછી બાળક માટે સૌથી જરૂરી વસ્તુ છે. આજથી 100 વર્ષ પહેલા ભાવનગરથી મુછાળી માંના નામે પ્રખ્યાત શ્રી ગિજુભાઈ બધેકાએ બાળવાર્તા અને બાળગીતો માટે જે વાત કરી હતી તે 2020માં ન્યુ એજ્યુકેશન પોલીસીમાં પણ સ્વીકારવામાં આવી છે. રાજકોટમાં આવેલી સાંઈરામ દવેની નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં આજ પદ્ધતિને 2015થી અનુસરતી આવી છે ત્યારે તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સાંઈરામ દવેના સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા બાળવાર્તા અને બાળગીતો માટે થતા વિવિધ સેમિનાર અને કાર્યક્રમોને ધ્યાને રાખી સમગ્ર રાજ્યમાં મોટા પાયે બાલવાર્તા અને બાલમહોત્સવ ઉજવ્યો
જેમાં સાંઈરામ દવે અને અનેક શિક્ષણ તજજ્ઞો દ્વારા વાર્તા વાચિકમને એક નવા સ્વરૂપે રાજ્યના શિક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો. ભાવનગર ખાતે શિક્ષણ પ્રધાન શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં બાલવાર્તા બાલમહોત્સવ અંતર્ગત વાર્તાથી વાવેતર નામના આ કોન્સેપ્યુઅલ મલ્ટીમીડીયા શોની શરુઆત થઈ . જેમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને શિક્ષણ વિદ્દ સાંઈરામ દવે એ ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ રસપ્રદ શૈલીમાં રજુ કરી હતી. તેમજ ’બાળવાર્તાનું શાસ્ત્ર’ સમજાવી ઉપસ્થિત શ્રોતાઓને જકડી રાખ્યા હતા. તો પ્રખ્યાત કટાર લેખક જય વસાવડાએ લોકલ થી લઈ ગ્લોબલ સુધીની વાર્તાની રસપ્રદ વાતો કરી હતી.
શ્રી સાંઈરામ દવેએ કહ્યું હતું કે બાળક માટે માંના દૂધ પછી જો કોઈ આવશ્યક વસ્તુ હોય તો એ બાળવાર્તા છે.આ કાર્યક્રમમાં વિમલ મહેતા તથા જીજ્ઞેશ ગૌસ્વામી, તરુણ કાટબામણા અને ભરત મેસીયા એ બાળ અભિનય ગીતો અને વાર્તાઓ રજુ કરી સૌને ડોલાવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનની વિનંતીને માન આપી ગત 15મી નવેમ્બરના રોજ ગિજુભાઈ બધેકાના જન્મદિનને સરકારે ’બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ’વાર્તાથી વાવેતર’ કાર્યક્રમને 7 જીલ્લાના 30 હજાર શિક્ષકો, તાલીમાર્થીઓ તેમજ આંગણવાડી કાર્યકરો એ ખુબ જ રસપૂર્વક માણ્યો હતો. નવી રીતે બાળવાર્તા અને બાળગીતોને કોર્પોરેટ ટીચર્સ ટ્રેનીંગના ફોરમેટમાં મુકવાનો આ આ સમગ્ર કોન્સેપ્ટ સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના ચેરમેન અને નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના કેમ્પસ ડાયરેક્ટર અમિત દવેનો હતો જ્યારે સમગ્ર વિષયને મલ્ટીમીડીયાનો આકાર ધ વિઝ્યુલાઈઝરના સીઈઓ જીતેન્દ્ર બાંધણીયાએ આપ્યો હતો. વિસરાતી જતી બાળવાર્તાઓ સજીવન કરતો ‘વાર્તાના વાવેતર’ કાર્યક્રમ શ્રોતાઓને ખુબ પસંદ પડ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમની યુ ટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.