બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં ખૂબસુંદર રજૂઆત કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા
ગોંડલના અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીની હાજરીમાં બાલદિલની ખૂબજ ભવ્યતાપૂર્વક ઉજવણી કરાઇ હતી. સવારે મહંત સ્વામીની પૂજામાં બાળકોએ કીર્તન ગાય અને પોતાની વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી. સાંજની સભામાં બ્રહ્મવિદ્યાની કોલેજ એ મધ્યવર્તી વિચાર અંતર્ગત યોજાયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં જીવનમાં સદાચાર અને નિયમિતતાનું કઈ રીતે પાલન થઈ શકે તેની ખૂબજ સુંદર રજૂઆત કરી હતી. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં સંસ્કારની સાથે શિક્ષણ એટલે કે અભ્યાસમાં કઈ રીતે પ્રગતિ કરી શકાય તેની રજૂઆત એક ચોટદાર સંવાદ અને નૃત્ય દ્વારા કરી હતી.
મહંત સ્વામી મહારાજએ પણ બાળકોને જીવનમાં સંસ્કાર અને અભ્યાસની દ્રઢતા થાય તે માટે બાળકોની એક્ટિવિટીમાં ભાગ લઇ તેઓને ખૂબજ સુંદર પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાલદિનના અંત ભાગમાં મહંત સ્વામી મહારાજે બાળકો સાથે ઠાકોરજીની આરતી ઉતારી ભગવાનને ચરણે ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું.