વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતનું અર્થતંત્ર પણ હવે વિરાટરૂપ લઇ ચુક્યું છે. 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું અર્થતંત્ર ઉભું કરવા માટે બનાવેલા રોડ મેપ પર અર્થતંત્રની ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી છે ત્યારે આર્થિક વિકાસમાં ક્યાંય નકારાત્મક પરિબળો હાવી ન થઇ જાય તે માટે સરકારની નટ ચાલની ડગલેને પગલે કસોટીઓ થતી રહે છે.
મોંઘવારી અને ફુગાવા જેવા નકારાત્મક પરિમાણોને કાબૂમાં લઇ માંગ અને પૂરવઠાના નિયમોની અમલવારીથી આર્થિક વેગ પ્રાપ્ત કરવામાં આવી રહી છે. અર્થતંત્રની રાજ્યકોષિય ખાધનો ખાડો પૂરવા નોટો છાપી નાખવાથી અર્થતંત્ર મજબૂત બનતું નથી. નક્કર આર્થિક સધ્ધરતા માટે ઉત્પાદન, માંગ, પૂરવઠા અને આર્થિક સંતુલનના સમીકરણો એકરૂપ કરવા જોઇએ. વસ્તુની પડતર કિંમત જેમ બને તેમ ઓછી રાખી ઉત્પાદન વધારવાની સાથેસાથે માંગ મુજબનો પૂરવઠો જળવાઇ રહે તો ભાવ વધારા જેવા પરિમાણોનો સામનો કરવો પડતો નથી. પરંતુ જો ઉત્પાદન ખર્ચ વધી જાય તો મોંઘવારી વધે અને પૂરવઠો સમયસર ન પહોંચે તો ઉભી થનારી કૃત્રિમ અછતથી કૃત્રિમ ભાવ વધારો ફૂગાવાઓનો જન્મદાતા બને છે.
વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે સમગ્ર વિશ્ર્વમાં કોરોના લોકડાઉનથી અટકી પડેલા ઉદ્યોગીક ઉત્પાદનની ખાધથી માંગ સામે પૂરવઠો અટકી જતા મોંઘવારીના દર ઉંચકાયા છે. વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલના ઉત્પાદન અને માલની ઉથલ પાથલથી મોંઘવારીની સાથેસાથે ફૂગાવાએ પણ માથું ધૂણાવ્યુ છે તેવા સંજાગોમાં વિશ્ર્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા તરફ મક્કમપણે આગળ વધતાં ભારતના શાસકો અને ખાસ કરીને અર્થશાસ્ત્રીઓ માટે અત્યારે એક-એક ડગલું સમજી-વિચારીને ભરવા જેવું છે. અલબત્ત કેન્દ્ર સરકારે કરેલા આગોતરા આયોજન અને કેળવેલી દીર્ધદ્રષ્ટિથી વિશ્ર્વમાં જ્યારે લોકડાઉન અને ઉદ્યોગીક વેપારી અને પરિવહન ઉદ્યોગ ઠપ્પ થઇ ગયું હતું ક્રૂડ ઓઇલની માંગ ઘટતાં વૈશ્ર્વિક તેલ બજારમાં કાચા તેલના બેરલના ભાવ સાવ તળીયે ચાલ્યા ગયાં હતા ત્યારે પણ ભારતે ક્રૂડ ઓઇલ અને ડોલરની ખરીદી ચાલુ રાખી બફર સ્ટોક મજબૂત કર્યુ સાથે સાથે ઘર આંગણે ઉભી થયેલી રાજકોષિય ખાધ સરભર કરવા પેટ્રોલ-ડીઝલના ભાવોની એક્સાઇઝ ડ્યુટીમાં સમય પ્રમાણે વધારો કરી આવક જાણવી રાખી હતી. સરકારની આ સમય સુચકતાથી વિદેશી ભંડોળની પરિસ્થિતી જળવાઇ રહી અને જ્યારે સમગ્ર વિશ્ર્વના અર્થતંત્ર અને બજારો પડી ભાંગી ત્યારે ભારતમાં અર્થતંત્રની પરિસ્થિતી સ્થિર રહી હતી.
અર્થતંત્રમાં નાણાંની તરલતા માંગ અને પૂરવઠાનું સંતુલન અને ભાવ વધારા અને ફૂગાવા જેવા નકારાત્મક પરિમાણો સામે મજબૂત, આર્થિક પરિબળો થકી જ અર્થતંત્રને સધ્ધર બનાવી શકાય. મોંઘવારી અને ફુગાવા વચ્ચે સંતુલન કરવા માટે માંગ અને પૂરવઠાનો નિયમ જરાપણ વિચલીત ન થાય તેવી આવશ્યકતા ઉભી થઇ છે. ભારતના અર્થતંત્રને સ્થિર રાખવા ફુગાવા અને ભાવ વધારાને કાબૂ રાખવા માટે ઘરેલું ઉત્પાદન વધારવા ઉપરાંત પડતર કિંમત ઘટાડવા માટે સરકાર દ્વારા ઉત્પાદન આધારિત ઇન્સેટીવ યોજનાઓ આયાત કાબુમાં રાખવા એનટીડમ્પીંગ ડ્યૂટી, પેટ્રોલ-ડીઝલની આયાતનું ભારણ ઘટાડવા, વૈકલ્પીક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન, વિદ્યુત ઉત્પાદનમાં સૌર ઉર્જાનો ઉપયોગ, પેટ્રોલમાં ઇથેનોલના ઉપયોગનું પ્રમાણ વધારવું, કૃષિ ઉત્પાદન વધારવા માટે ખેડૂતો અને ખેતીને પ્રોત્સાહન આપી વિકાસદરને નક્કર વાસ્તવિકતા આપવા જેવા પગલાંઓ થકી અર્થતંત્રને સધ્ધર રાખવાની નટ ચાલ કારગત નિવડી છે. રાજકોષિય ખાધ ઘટાડવા માટે નોટો છાપવાના શોર્ટકટના બદલે આવક વધારવાના પ્રયાસો થકી મોંઘવારી અને ફુગાવાઓ કાબૂમાં આવે અને આપોઆપ માંગ અને પૂરવઠાનો નિયમ પણ સંતુલિત થઇ જાય.