રંગીલા રાજકોટમાં કારમી મોંઘવારી વચ્ચે પણ જીવન અસ્તિત્વ ટકાવી રાખવા અને પેટનો ખાડો પૂરવા ગરીબ-જરૂરીયાતમંદ પરિવાર દિવસ-રાત સતત ઝઝુમી રહ્યા છે. રોડના સ્પીડબ્રેકર વાહનની ગતિ અવરોધ છે તેમ ‘અબતક’ના કેમેરામાં કેદ થયેલી તસ્વીર વરસાદી માહોલ વચ્ચે પણ “જીવનનું બેલેન્સ” ટકાવી રાખવા સીંગલ દોરડા પર એક પગે ચાલતી કલાકારની તસ્વીર ઘણું બધું કહી જાય છે. મોંઘવારીનો માહોલ અને ચોમાસાના વરસાદી રંગ વચ્ચે પરિવારના શેરી ‘બેલેન્સ’ શો વચ્ચે કરૂણતા, કુશળતા, એકાગ્રતા જેવી તમામ છૂપીકલાના દર્શન થાય છે. ફાટેલા સુઝ સાથે કે ખુલ્લા પગે, બેસીને કે એક પગે બેલેન્સ જાળવીને કલાકાર તેની આમદાની રળીને બે ટંકના રોટલા ભેગા થતાં હોય છે.
જીવનમાં આવતી તમામ મુશ્કેલી વચ્ચે પણ ‘બેલેન્સ’ કલાના તમામ ગુણોનું મિશ્રણ કરીને આ પરિવાર લોકો સમક્ષ ‘આર્થિક’ સહયોગ માંગી રહ્યો છે. પોતાની પુત્રી એક બાંબુના સહારે એક સીંગલ રોપ ઉપર બેલેન્સ જાળવે છે ત્યારે નીચે ડામર રોડ હોવાથી તેના બચાવ માટે સાહજીક રીતે તેની ‘ર્માં’ નાનકડા પુત્રને તેડીને બચાવ કરતાં નજરે પડે છે.
કુટુંબ નિર્વાહ માટે ર1મી સદીનો આ ‘જીવન કલા’ સમો પરિવાર બે ટંકના રોટલા માટે જ આવા ખતરનાક ખેલ ખેલી રહ્યા છે.
સંસાર યાત્રાનું ભલભલાનું બેલેન્સ વિખાઇ જતું હોય છે ત્યારે આ પરિવાર અદ્ભૂત રીતે જીવન કલાના સથવારે ‘સંવાદિતા’ જાળવતું તસ્વીરમાં નજરે પડે છે. નગરજનોને અનુરોધ છે કે આવા ‘ખેલૈયા’ઓને થોડો સહયોગ પણ આનંદ-ઉલ્લાસમાં વધારો કરતો હોય છે.