કોર્પોરેશનના સહકારથીમિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા
મ્યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ સહિત પાંચ સ્પર્ધા યોજાશે:વિજેતાઓને ઈનામથી નવાજાશે
રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહકારથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા થોડા વર્ષો અગાઉ રેસકોર્ષ ખાતે દર રવિવારે “ફન સ્ટ્રીટ”નું સફળતાપૂર્વક આયોજન થતું હતું. જેમાં બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ કોઈને નિર્દોષ આનંદ મળે તેવી વિવિધ પરંપરાગત રમતો-સ્પર્ધાઓ યોજાતી હતી.
“કોરોના કાળ”ને કારણે બંધ થઈ ગયેલ “ફન સ્ટ્રીટ” ઉનાળુ વેકેશન અને નગરજનોની લાગણીને ધ્યાનમાં રાખી, ફરી એક વખત શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડૉ.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે શહેરીજનોની લાગણી ધ્યાનમાં રાખી, મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા આગામી રવિવાર તથા ત્યારબાદ આ ઉનાળા વેકેશનના દર રવિવારે સવારે ૭ થી ૯ વાગ્યા દરમ્યાન “ફન સ્ટ્રીટ” રેસકોર્ષ આર્ટ ગેલેરીથી સ્વિમિંગ પૂલ વચ્ચેના એરિયામાં યોજાશે. “ફન સ્ટ્રીટ”નો લાભ લેવા શહેરીજનોને અનુરોધ છે.
આજના મોબાઇલ યુગમાં જ્યારે મોટાભાગના લોકો મોબાઇલમાં ખોવાયેલા રહેતા હોય છે ત્યારે આપણી વિસરાઈ ગયેલ શેરી રમતોને પુનઃજીવિત કરવા માટે આ રમતો ફન સ્ટ્રીટમાં જોવા મળશે. મ્યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડારા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, ડાંસ ગરબા સહિત વિવિધ રમતો ફન સ્ટ્રીટમાં જોવા મળશે.
આઠ વર્ષ પહેલા શરૂ થયેલ ફન સ્ટ્રીટ રાજકોટનું નજરાણું છે. આ રવિવારે ફન સ્ટ્રીટમાં વિવિધ સ્પર્ધા પણ રાખવામાં આવેલ છે જેમાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વ્યક્તિને ઇનામ આપવામાં આવશે. મ્યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ સહિત પાંચ સ્પર્ધા રાખવામાં આવી છે, જેમાં દરેક ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે. આ માટે કોઇ એન્ટ્રી ફી રાખવામાં આવેલ નથી. ફન સ્ટ્રીટમાં કોઈ પ્રવેશ ફી રાખવામાં આવેલ નથી પરંતુ પરિવાર સિવાય આવનાર વ્યક્તિએ પોતાનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે. સુરક્ષા વિભાગ અથવા પોલીસ દ્વારા માંગવામાં આવે ત્યારે પોતાનું ઓળખકાર્ડ બતાવવું જરૂરી છે.
મિશન સ્માર્ટ સિટી ચિત્રનગરી ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષમાં ૧૦૦૦ થી પણ વધુ કલાકારો દ્વારા બાર હજારથી પણ વધુ ચિત્રો રાજકોટ સહિત વિવિધ શહેરોમાં નિસ્વાર્થ ભાવે બનાવીને શહેરને અલગ ઓળખ આપવામાં આવી છે.
આ ફન સ્ટ્રીટને સફળ બનાવવા માટે જીતુભાઈ ગોટેચા સહિત તેમની ટીમના રશેષભાઈ વ્યાસ, સુરેશભાઇ રાવલ, શિવમ અગ્રવાલ, હરદેવસિંહ વાઘેલા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, દિગીશભાઇ વડોદરિયા, પરેશભાઇ ધોરાજીયા, ગૌરવભાઇ ખીરૈયા, હાર્દિક વૈષ્ણવ, હર્ષિત, દેવ, ભૂમિત, નિકેશ, વિવેક, અભય, અજય, મૌલિક ગોટેચા ઉપરાંત વિવિધ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે મો.નં.૭૮૦૨૮૨૪૨૮૨ ઉપર વોટ્સએપ કરી, રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.