રેસકોર્સ સંકુલમાં રાઈડ્સ બંધ કરવા પણ સુચના: સિટી બસ અને બીઆરટીએસમાં સેનીટાઈઝર
મુકાયા: કોરોનાની જાગૃતિ માટે કોર્પોરેશન દ્વારા ઘર-ઘર પત્રિકાનું વિતરણ કરાશે
વિશ્ર્વભરમાં મહામારી રૂપે ફેલાયેલા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મહાપાલિકા દ્વારા આજથી શહેરમાં ૭૦ જેટલા બાલ ક્રિડાંગણો બંધ કરી દેવામાં આવ્યા છે. બગીચામાં મુકવામાં આવેલા રમત ગમતના સાધનોનો ઉપયોગ વૃદ્ધો અને બાળકોએ ન કરવા સુચના આપવામાં આવી છે. ફનવર્લ્ડ બંધ કરવા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. રેસકોર્સ સંકુલમાં રાઈડસ પણ બંધ કરી દેવામાં આવશે. સિટી બસ અને બીઆરટીએસમાં સેનીટાઈઝર મુકવામાં આવ્યા છે. જનજાગૃતિ માટે કોર્પોરેશન દ્વારા હવે ઘેર-ઘેર પત્રિકાનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું કે, રાજ્ય સરકારની સુચનાને પગલે કોરોના વાયરસને વકરતો અટકાવવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ પગલા લેવામાં આવી રહ્યાં છે. ૨૯મી સુધી સ્વીમીંગ પુલ, જીમ, ઝુ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ બંધ કરી દેવામાં આવ્યું છે. આજથી શહેરભરમાં આવેલા ૭૦ જેટલા બાલ ક્રિડાંગણો બંધ કરી દેવામાં આવ્યા છે. બગીચાઓમાં બાળકોને લઈને ફરવા જતા વૃદ્ધોને પણ એવી અપીલ કરવામાં આવી છે કે, તેઓ રમત-ગમતના સાધનોને શકય હોય ત્યાં સુધી બહુ સ્પર્શ ન કરે. ફનવર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટો માનવ સમૂહ એકત્ર થતો હોય ફનવર્લ્ડને પણ બંધ કરી દેવા સુચના આપી દેવામાં આવી છે.
આ ઉપરાંત ફનવર્લ્ડ પાછળ આવેલા રેસકોર્સ સંકુલમાં જે રાઈડ્સવાળા ઉભા રહે છે તેઓને પણ બંધ કરવામાં આવશે. સિટી બસ અને બીઆરટીએસ મુસાફરો માટે સેનીટાઈઝર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાપાલિકા સંચાલન તમામ પે એન્ડ યુઝ ટોયલેટમાં લીકવીડ શોક મુકવામાં આવ્યા છે. જનજાગૃતિ માટે આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા ઘેર-ઘેર પત્રીકાનું વિતરણ શરૂ કરવામાં આવશે. પદાધિકારીઓ ચેમ્બરની બહાર પણ સેનીટાઈઝરની બોટલો રાખવામાં આવી છે. દરેક મુલાકાતીઓને હાથ સાફ કર્યા બાદ જ પદાધિકારીઓને મળવા દેવામાં આવી રહ્યાં છે.
ડોકટરોને શંકાસ્પદ દર્દીઓ સાથે રાખવાના બદલે સેલ્ફ આઈસોલેટેડ રાખો: પૂર્વ મેયરની સીએમ સમક્ષ માંગ
કોરોનાના શંકાસ્પદ દર્દીની સારવાર કરી રહેલા ડોકટરને હાલ દર્દીઓ સાથે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી રહ્યાં છે. તબીબોને શંકાસ્પદ દર્દી સાથે રાખવાના બદલે સેલ્ફ આઈસોલેટેડ રાખવા માટે પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, કોરોનાના શંકાસ્પદ દર્દીની સારવાર કરી રહેલા ડોકટરને લેબોરેટરી સ્ટાફને કે મેડિકલ સ્ટોરના સ્ટાફને શંકાસ્પદ દર્દી સાથે રાખવામાં આવે છે.
જેના કારણે ક્યારેક સ્થિતિ બગડે તેવી પણ સંભાવના રહેલી છે. આવું કરવાના બદલે ડોકટરોને સેલ્ફ આઈસોલેટેડ એટલે કે ડોકટરને પોતાના ઘરે જ રહેવાની છુટ આપવામાં આવે તેવી રજૂઆત આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ કરવામાં આવી છે અને તેઓએ પણ આ માટે યોગ્ય કરવાની ખાતરી આપી છે.