કામ ધંધો બરાબર ન ચાલતા અને ભાડુ ચુકવવા ચોરીના રવાડે ચડયાની કબુલાત
બજરંગવાડી વિસ્તારથી ચોરાઉ મેગવીલ સાથે રીઢા તસ્કરને ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરેલી કારના સાત જેટલા ટાયરની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી કાર અને સાત ટાયર મળી રૂા.1.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બજરંગવાડી વિસ્તારમાં રહેતા સાજીદ બાબુભાઇ સેતા નામનો શખ્સ બજરંગવાડી ખાતે નવા બનેલા બગીચા પાસે ચોરાઉ ટાયર સાથે ઇન્ડિગો કારમાં જઇ રહ્યો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પી.આઇ. જી.એમ.હડીયા, પી.એસ.આઇ. જે.જી.રાણા અને હેડ કોન્સ્ટેબલ ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે સાજીદ સેતાની ધરપકડ કરી છે.
સાજીદ સેતાની પૂછપરછ દરમિયાન મકાન ભાડુ અને લોનના હપ્તા ચડી જતા ફોર વ્હીલના મેગ્વીલ ચોરી કરવાનું શરૂ કર્યાની કબુલાત આપી છે. અક્ષરનગર મેઇન રોડ પર રહેતા ધ્રુવ દિલીપભાઇ ભટ્ટની જી.જે.3ડીએન. 5868 નંબરની એસન્ટ કારમાંથી રૂા.15 હજારની કિંમતના ત્રણ ટાયર, બજરંગવાડી શેરી નંબર 11-12ના ખૂણે રહેતા પાડોશી મહેન્દ્રસિંહ બાલુભા ગોહિલની કિયા કારમાંથી રૂા.30 હજારની કિંમતના બે ટાયર અને બજરંગવાડી પાસે પૂનિતનગર -2માં રહેતા મેહુલ રમેશભાઇ નિનામાની કિયા કારમાંથી રૂા.30 હજારની કિંમતના ત્રણ ટાયરની ચોરી કર્યાની કબુલાત આપી છે.
પોલીસે સાજીદ સેતા પાસેથી સાત ટાયર અને ઇન્ડિગો કાર મળી રૂા.1.30 લાખનો મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. સાજીદ સેતા આ અગાઉ ગાંધીગ્રામ અને માલવીયાનગર વિસ્તારમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.