3 ટેન્કર, 1 બલેનો ગાડી સહિત 7 વ્યકિતઓને ખારાઘોડાથી 10 કી.મી.ના અંતરેથી ઝડપી પાડતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટીમ
બજાણા રેન્જ ફોરેસ્ટ ટીમ દ્વારા રણમાં ગેરકાયદેસર રીતે ઘૂસતા 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં બજાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના સ્ટાફ દ્વારા 3 ટેન્કર, 1 બલેનો ગાડી સહિત 7 વ્યક્તિઓને ખારાઘોડાથી આશરે 10 કિમીના અંતરેથી ઝડપી પાડ્યા હતા.
સને 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી.વિસ્તારે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર માટે અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યો હતો. અને ઘૂડખર અભયારણ્યના રક્ષિત વિસ્તારમાં વનવિભાગની પરવાનગી વિના પ્રવેશ કરવો ગુનો બને છે. વનવિભાગ દ્વારા રણ જોવા આવતા સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોને પાવતી આપીને રણમાં પ્રવેશ આપવામાં આવે છે.
ત્યારે જાણવા મળતી માહિતી મુજબ બજાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેઓની ટીમ રણમાં રાઉન્ડમાં હોય જે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે, ખારાઘોડા રણના વિસ્તારમાં ટેન્કર સહિત ગાડીઓ જઇ રહી છે. ત્યારે તપાસ કરતા તેઓ પાસેથી ગેરકાયદેસર રણમાં ઘૂસતા હોવાનું જણાઇ આવ્યું હતુ. આથી બજાણા અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલા સહિતની ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ત્રણ ટેન્કરો, એક બલેનો ગાડી સહિત સાત વ્યક્તિઓને ખારાઘોડાથી આશરે 10 કિમીના અંતરેથી ઝડપી પાડ્યા હતા. અને સાતેય શખ્સોને મુદામાલ સાથે બજાણા અભયારણ્ય વિભાગની કચેરીએ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બજાણા અભયારણ્ય વિભાગની કડક કાર્યવાહીથી રણમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા શખ્સોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.