સંતાનો સાથે રહેવા માંગતી પરિણીતાને મળવા આવેલા પ્રેમી અને તેના પિતા પર છ શખ્સોએ કર્યો હુમલો: પરિણીતાના નણંદોયાને પિતા-પુત્ર લમધાર્યા
ખોડિયારનગરમાં પરિણીતા પ્રેમિકાને મળવા આવેલા પ્રેમી અને તેના પિતા પર છ શખ્સોએ હુમલો કરતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સામાપક્ષે પરિણીતાના નણદોયાને પિતા પુત્રને માર મારતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ચંદ્રેશ નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ નાગજીભાઈ જોટાણીયા (ઉ.વ.51) અને તેના પુત્ર ધવલ ભાવેશભાઈ જોટાણીયા (ઉ.વ.24) પર ખોડિયારનગરમાં રહેતા અશોકસિંહ ડોડીયા સહિતના છ શખ્સોએ માર માર્યાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગે ભાવેશભાઈ જોટાણીયાએ જણાવ્યું હતું કે તેના પુત્ર ધવલને રીટા નામની પરિણીતા સાથે પ્રેમ સબંધ હોવાથી છેલ્લા કેટલાક મહિનાઓથી મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. તે દરમિયાન રીટા તેના સંતાનોને મળવા અશોકસિંહના ઘરે ગઈ તે દરમિયાન ધવલ અને અશોકસિંહ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં અશોકસિંહ સહિતનાઓએ ધવલને માર માર્યો હતો. જ્યારે તેના પિતા ભાવેશભાઈ ત્યાં આવતા તેમના પર પણ હુમલો કરતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તો સામાપક્ષે ખોડિયારનગર શેરી નંબર -5માં રહેતા અશોકસિંહ ખુમાનસિંહ ડોડીયા નામના 40 વર્ષીય યુવાનને ધવલ અને ભાવેશ નામના પિતા – પુત્રએ લાકડીથી માર માર્યો હતો. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે તેમના સબંધી જયપાલસિંહ ના પત્ની રીટાએ છૂટાછેડા બાદ ધવલ સાથે મૈત્રી કરારથી રહેતી હતી. પરંતુ ધવલ પજવણી કરતા હોય જેના કારણે પોતાને ધવલ સાથે ન રહેવું હોય જેથી તે પરત આવી ગઈ હતી.
પરંતુ તે દરમિયાન ધવલ તેમના ઘર પર આવીને ખેલ કરવા લાગ્યો હતો. જેથી તેને સમજાવતા ઉશ્કેરાયેલા ધવલ અને તેના પિતા ભાવેશે અશોકસિંહ પર હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.