ગાડી અથડાવા બાબતે બે ભાઈઓને માર માર્યાનો નોંધાતી વળતી ફરિયાદ
બગસરા પાસે સામસામે મારામારીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં ખેતરમાં સિંહ જોવા આવતા બે ભાઈઓને ટપારતા બંને ભાઈઓએ ખેડૂત પર ખૂની હુમલો કર્યાની ઘટના સામે આવી છે. તો સામા પક્ષે બંને ભાઈઓને ગાડી અથડાવા બાબતે માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ધારી તાલુકાના પાદરગઢ ગામે રહેતા અને ખેતી કામ કરતા સંજયભાઈ બાધાભાઈ વાળા નામના 23 વર્ષીય યુવાન પર તેના જ ગામના દિવ્યરાજ જેતુ વાળા અને યુવરાજ જેતુ વાળા નામના શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરતા યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે સંજય વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી દિવ્યરાજ વાળા અને યુવરાજ વાળા અવારનવાર તેમની વાડીમાં સિંહ જોવા અને તેમની પજવણી કરવા આવતા હતા. જે બાબતે યુવાને વાડીના પાકને નુક્સાન થયું હોય જેથી ખેતરમાં આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ ખૂની હુમલો કર્યો હતો.
તો સામા પક્ષે યુવરાજ જેતુભાઈ વાળાએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોતે પોતાના ભાઈ દિવ્યરાજ વાળા સાથે બાઈક પર હતો હતો ત્યારે હામાપુર રોડ પર સામેથી આવતી સફેદ કલરની ગાડી સાથે અથડાય હતી.
જેથી તેમાં બેઠેલા સંજય બાધા વાળાએ બોલાચાલી કરી લોખંડના પાઇપથી ઢોર માર માર્યો હતો. પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથઘરી છે.