લવ જેહાદ વિરુદ્ધ સરકારે કાયદો લાવી કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. પણ આવા બનાવો વધતાં જય રહ્યા છે ત્યારે બગસરામાં પણ એક સપ્તાહ પહેલાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. વિધર્મી યુવાન દ્વારા છરીની અણીએ યુવતીને ભગાડી જવાના બનાવને પગલે ગામલોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
બગસરામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા આજે બગસરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારથી દુકાનો બંધ રહી તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બંધનું એલાન બગસરાના વિજય ચોકમાં બોર્ડ મૂકી કરવામાં આવ્યું હતું.
બનાવની વિગત અનુસાર, બગસરામાં થોડા દિવસો પૂર્વે વિધર્મી યુવાન દ્વારા એક યુવતીને છરી બતાવી ભગાડી જવાના ઘટનાના શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઘટનાને પગલે અગાઉ બે વાર હિન્દુ સંસ્થાઓ દ્વારા સંમેલન બોલાવી પોલીસ તેમજ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી યુવતીની ભાળ ન મળતાં હિન્દુ સંગઠનો દ્વારા બગસરા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું. જેને પગલે વહેલી સવારથી જ બગસરાની તમામ બજારો બંધ જોવા મળી હતી. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિહિપ તથા બજરંગદળને આ મુદ્દે ટેકો આપ્યો હતો. અને ભવિષ્યમાં બગસરામાં લવ જેહાદનો મુદ્દો ન બને તેને અનુલક્ષીને બંધ પાળી સમર્થન આપ્યું હતું. જેમાં બગસરા પોલીસ તથા જિલ્લમાંથી ડીવાયએસપી સહિતનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે ખડેપગે રહ્યા હતા.