સાંસદ મોહનભાઈ કુંડારિયાએ બેડમિન્ટન ટુર્નામેન્ટનો કરાવ્યો આરંભ: 1 જૂન સુધી ચાલશે
બેડમિન્ટનના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત બેડમિન્ટન ટુર્નામેન્ટનું આજે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, ખાતે ઉદ્ઘાટન સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.
આ અવસરે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના છેવાડાના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા આશયથી રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્રને સાકાર કરવા ખેલમહાકુંભનો પ્રારંભ કરેલ. ખેલમહાકુંભના કારણે રાજ્યના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ અનેક ખેલાડીઓએ રમત ગમતમાં મેડલ પણ મેળવેલ છે.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું કે, સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા પણ જુદાજુદા કાર્યક્રમો કરી રહી છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરો અને ગામડાઓના ખેલાડીઓને પ્લેટફોર્મ મળે તેવા હેતુથી વર્ષ 2010માં ખેલમહાકુંભનું આયોજન કરી સમગ્ર રાજ્યના રમત ગમતના ખેલાડીઓમાં નવું જોમ પુરેલ છે. મહાપાલિકા દ્વારા પણ શહેરના રમતવીરોને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઈ શકે તેમજ શહેરીજનોના સ્વાસ્થય માટે અનેકવિધ સંકુલો બનાવવામાં આવેલ છે.
કાર્યક્રમની શરૂઆતમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરેલ. ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. આજના આ કાર્યક્રમના ઉદ્ઘાટક સાંસદ મોહનભાઈ કુંડારીયાનું પદાધિકારીઓ, શહેર સંગઠનની ટીમ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. ત્યારબાદ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા અને સમાજ કલ્યાણ સમિતિના વાઈસ ચેરમેન સંજયસિંહ રાણાએ સૌ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. ત્યારબાદ મહાનુભાવોના વરદ હસ્તે બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયેલ કરાવ્યો.
બેડમિન્ટનની રમતમાં, સીંગલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટે અંડર- 13, અંડર- 15, અંડર- 19, 20-40, 41-60 તેમજ ડબલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટે 20-40 અને 41-60 યોજાનાર ટુર્નામેન્ટમાં 561 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ ટુર્નામેન્ટ આજ થી 1 જૂન સુધી ચાલશે. આ ટુર્નામેન્ટ પ્લાસ્ટીક શટલથી રમાડવામાં આવશે. જેમાં 561 ખેલાડીઓ સાથે જંગ જામશે.
આવી ટુર્નામેન્ટ થકી આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવાનો આત્મવિશ્ર્વાસ વધે છે : ખેલાડીઓ
રાજકોટ મહાનગરપાલિકા આયોજિત ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે આવી ટુર્નામેન્ટ યોજાય છે ત્યારે અમારા જેવા પ્રતિભાશાળી ખેલાડીઓને એક શ્રેષ્ઠ માધ્યમ મળે છે. અમારા કોચ દ્વારા અમને સચોટ માર્ગદર્શન મળે છે.તેમજ પ્રેક્ટિસની સાથોસાથ અમારું મનોબળ મજબૂત બને છે. આવી ટુર્નામેન્ટ થકી ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવાની તક મળે તો અમને આત્મવિશ્વાસ ભરપૂર મળે છે.