દહીંસરાની અંજની ઓઈલ મીલ, નેકનામની ચંદન ઓઈલ મીલ સહિત ચાર સ્થળે સસ્તામાં બારદાન વેંચ્યા’તા
શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગ અને બારોબાર સગેવગે કરી નાખવાના કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયાની સાથે બારદાન બારોબાર વેંચી નાખવાના કૌભાંડમાં પોલીસે ૮ શખ્સોની ધરપકડ કર્યા બાદ ચાર સ્થળોએ વેંચી નખાયેલા રૂ.૩૦૮૦૦ની કિંમતના ૩૬૭૮ બારદાન કબજે કર્યા છે.
મગફળી ભરવા માટે કલકત્તાથી બારદાન મંગાવ્યા બાદ જૂના યાર્ડે બારદાનનો અમુક જથ્થો જ સળગાવી બચેલા બારદાનને બારોબાર વેંચી નાખવાના કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયાના ફઈના દિકરા મનસુખ ભીખા ઉર્ફે બાબુ જેઠા લીંબાસીયા, કાનજી દેવજી ઢોલરીયા, નિરજ મનસુખ ગજેરા, પરેશ હંસરાજ શંખારવા અને કાળુ બાબુ ઝાપડા નામના શખ્સોની સંડોવણી બહાર આવતા બી-ડીવીઝન પીઆઈ આર.એસ.ઠાકર સહિતના સ્ટાફે પાંચેય શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા.
મનસુખ લીંબાસીયાએ ગેરકાયદેસર રીતે બારદાનનો જથ્થો પ્નામ એગ્રો ટેકમાં મોકલી જુદા જુદા વેપારીને સસ્તા ભાવે બારદાન આપવાનો પ્રલોભન આપ્યાનું બહાર આવ્યું છે. જયારે કાનજી ઢોલરીયા સૂત્રધાર મગન ઝાલાવડીયાનો નજીકનો સગો થતો હોવાનું બારદાનનો જથ્થો ગોંડલ મોકલવાને બદલે સરધાર અને ત્રંબા ખાતે પોતાના ઓળખીતાઓને ત્યાં મોકલી દીધો હોવાનું બહાર આવ્યું છે.
આસ સાલીગ્રાના નિરજ મનસુખ ગજેરા સળગી ગયેલા બારદાન બાદ બચી ગયેલા બારદાન બીજા ગોડાઉનમાં મોકલવાનું રજીસ્ટર કામ સંભાળતા હતો અને તેને ટ્રકની બીલ્ટી બનાવતો હોવા છતાં બારદાનને સગેવગે કરવામાં સંડોવણી ખુલી હતી. મોરબી રોડ પર જકાતનાકા પાસે અર્જૂન પાર્કમાં રહેતા પરેશ હંસરાજ સંખારવા યાર્ડમાં મેનેજર હતો અને તેને બારદાનને લગતી સંપૂર્ણ કામકાજ સંભાળવાનું હોવા છતાં રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરી મગન ઝાલાવડીયાની મદદગારી કર્યા હોવાનું બહાર આવ્યું છે.
જયારે બારદાનની જુદી જુદી મંડળીએ પહોંચાડવાનું કામ કરતા કાળુ બાબુ ઝાપડા, બારદાન સરકારી હોવાનું જાણતા હોવા છતાં બિલ્ટી મુજબની જગ્યાએ ન પહોંચાડી જુદા જુદા વેપારીઓને પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે સસ્તા ભાવે બારદાન ખરીદનાર મહેશ પ્રધાન મંગે અને અરવિંદ પેરાજ ઠક્કરની ધરપકડ કરી બન્નેને પાંચ દિવસના રિમાન્ડ પર લેતા તેઓએ સસ્તા ભાવે બારદાન ખરીદ કર્યા બાદ દહીંસરાની અંજની ઓઈલ મીલ, નેકનામની ચંદન ઓઈલ મીલ સહિત ચાર સ્થળે વેંચી નાખ્યાની કબુલાત આપતા બી-ડીવીઝન પીઆઈ ઠક્કર સહિતના સ્ટાફે રૂ.૧,૮૧,૬૭૮ની કિંમતના ૩૬૭૮ બારદાન કબજે કર્યા છે. કેટલાક વેપારીઓએ સસ્તા ભાવે ખરીદ કરાયેલા બારદાનમાં ખોળ ભરી અન્ય વેપારીઓને વેંચાણ કર્યું હોવાથી બારદાનનો વધુ જથ્થો કબજે કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.