પડધરી પંથકમાં લુખ્ખાઓનો આતંક: તંત્ર વિવસ
પડધરીને બાપ કી જાગીર ગણી લુખ્ખાઓ બેફામ: સરકારી દબાણ સહિત બુટલેગરોના આતંકમાંથી પડધરી ક્યારે મુક્ત થશે !
પડધરી પંથકમાં લુખ્ખાઓ બેફામ બની સરા જાહેર આંતક મચાવી રહ્યા છે. સરા જાહેર દારૂનો નશો કરી જન્મ દિવસની ઉજવણી કરવા કેક કાપી નિદોર્ષ ઉપર હુમલા કરવાની પડધરીમાં રોજીંદી ઘટના બની ગઇ છે. ગતરાતે નિર્દોષ રાહદારીને અટકાવી સામેં કેમ જોયુ કહી બે લુખ્ખાઓએ ધોકા અને પાઇપથી બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવકને ગંભીર ઇજા થવા છતાં પડધરી પોલીસે માત્ર બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી નાના રજપૂતવાસમાં રહેતા રાહુલભાઈ શેલેષભાઇ સોનેજી નામના યુવક પોતાના એક્ટિવા પર રાતે બસ સ્ટેશન પાસેથી પસાર થતો હતો ત્યારે દારુ અને મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલા હિતેશ નિતિન પરમાર અને મૈયાના છોકરાએ અટકાવ્યો હતો. રાહુલ કંઇ સમજે વિચારે તે પહેલાં હિતાશ અને મૈયાના છોકરાએ સામ કેમ જોવે છે. પડધરી મારા બાપનુ છે કહી ધોકા અને પાઇપથીથી તૂટી પડયા હતા. આ સમયે બસ સ્ટેશનમાં બંને લુખ્ખાના 15 જેટલા અજાણ્યા સાગરીતો પણ ઘસી આવ્યા હતા અને બે શખ્સોને બેરહેમથી માર માર્યો હતો.
હિતાંશુ પરમાર અને મૈયાના છોકરાના સાગરીતના જન્મ દિવસ હોવાથી 15 જેટલા લુખ્ખાઓ બસ સ્ટેશનમાં દારૂની પાર્ટી યોજી જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન રાહુલ સોનેજી ત્યાંથી પસાર થતા નિતિન પરમાર અને મૈયાના છોકરા સહિતના શખ્સોએ હિન્દી ફિલ્મના વિલનની જેમ સીન જમાવવા રાહુલ સોનેજીને વગર વાંકે અટકાવી ધોકા અને પાઇપથી તૂટી પડયા હતા. હિતાંશું પરમાર અને યશપાલ મૈયા ડોડીયા સામે આ પહેલાં પણ મારામારી અને દારુના ગુના નોંધાયા છે.
પરંતુ બંને શખ્સોની પોલીસ સાથેની સાંઠગાંઠ હોવાના કારણે પોલીસ દ્વારા સામાન્ય કાર્યવાહી થતા તાત્કાલિક છુટકારો થઇ જતાં ફરી બેફામ બનીને આંતક મચાવી નિર્દોષને રંજાડી રહ્યા છે. પડધરીમાં રેતી ચોરી, દારુ-જૂગાર અને બાયોડિઝલના બેરોકટોક રીતે ચાલી રહ્યું છે.
પડધરીમાં સાંજ પડેને લખ્ખાઓને સવાર પડતી હોય તેમ સમગ્ર પંથકને ધમરોળી રહ્યા છે. પડધરીના લુખ્ખાઓને કાપદો લાગુ પડતો ન હોય તે રીતે પરપ્રાંતિય મહિલાઓની સરા જાહેર થતી છેડતી, મારામારી કરતા લુખાઓના રેતી ચોરી અને બાયો ડિઝલ જેવા બેનંબરી ધંધાના કારણે પોલીસ સાથેની સાંઠગાંઠથી બેફામ બની ગયા હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.
રાહુલ સોનેજીને માથામાં ગંભીર ઈજા થતા હાલ ટ્રોમાં સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. પડધરી પોલીસે લુખ્ખાઓ સામે સામાન્ય કલમ હેઠળ કાર્યવાહી કરી છે હવે વધુ આકરી કલમ હેઠળ કડક કાર્યવાહી કરાશે તેવો અંદેશ મળી રહ્યો છે. આ અંગે જિલ્લા પોલીસ વડા જયપાલિસંહ રાઠોડ સુધી મામલો પહોંચ્યો છે.
રેતી ચોરી અને બાયો ડિઝલનો પણ ધીકતો ધંધો!!
પડધરી પંથકમાં ખનિજ માફિયા દ્વારા થતી રેતી ચોરી અને બાયો ડિઝલ સામે સ્થાનિક તંત્ર કાયવાહી કરવામાં નિષ્ફળ રહેતા સ્ટેટ મોનિટરીંગ રોલ દ્વારા ખનિજ ચોરી અને બાયો ડિઝલ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. આ રીતે પડધરી પંથકમાં કેટલાક સમયથી જુગારધામ ધમધમતું હતું તે તાજેતરમાં બંધ કરવામાં આવ્યું છે. બુટલેગર પણ દારૂનું બેફામ વેચાણ કરતા હોવાથી લુખ્ખાઓ દાઓ નશો કરી અવાર નવાર આંતક મચાવી રહ્યા છે.