અબતક, મુંબઈઃ

આજનો જમાનો ડિજિટલ જમાનો બની ગયો છે. મોટાભાગની સુવિધા આંગળીના ટેરવે ઓનલાઈન મળતી થઈ છે.
એ તો ઠીક પણ રૂપિયા રળવાની પદ્ધતિ પણ ડિજિટલ બની ગઈ છે. આગાઉ વિનિયમ સિસ્ટમ હતી જેનું સ્થાન આજે રૂપિયા એ નહીં પણ ટોકને લઈ લીધું છે. ડિજિટલ કરન્સીનો જમાનો છે. ત્યારે હાલ રૂપિયા કમાવવાનું એક તદ્દન નવું જ માધ્યમ ઝડપથી ઉભરી આગળ ધપી રહ્યું છે એ છે એનએફટી- નોન ફેજીબલ ટોકન. આ માધ્યમથી એવી ચીજ-વસ્તુઓનું ખરીદ-વેચાણ થઈ શકે છે જેનું રોકડ વેચાણ કે ખરીદી શક્ય નથી એટલે કે આ ચીજ વસ્તુઓ ડિજિટલ સ્વરૂપમાં હોય જેમકે ઓનલાઈન ફોટો, વીડિયો, ઓડિયો તેમજ અન્ય ડિજિટલ ફાઇલ.

હાલ આ એનએફટી બૉલીવુડ જગતના તારલાઓ, સેલિબ્રિટીઓ તેમજ અન્ય ખ્યાતનામ લોકો માટે પૈસા કમાવવાનું મહત્વનું માધ્યમ બન્યું છે. એટલે જ તો આજે 78 વર્ષની વયે પણ બૉલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન ટનાટન છે. કારણ કે અમિતાભ બચ્ચનના કલેક્શન માધુશાલાએ પણ ડિજિટલ રંગ પકડ્યો છે..!! તાજેતરમાં અમિતાભ બચ્ચન નોન-ફંગિબલ ટોકન દ્વારા તેમના ડિજિટલ કલેક્શન મધુશાલાની હરરાજીમાં અધધ….. રૂપિયા 7 કરોડથી વધુ મેળવ્યા છે. એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે NFTની સૌથી વધુ બોલી લગાવનારને બચ્ચનને મળવાની તક મળશે.

આ કલેક્શનમાં અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનના ગીત કે જેને ખુદ બિગ બીએ પોતાના અવાજમાં રેકોર્ડ કર્યા છે. આ સિવાય અમિતાભ બચ્ચનના હસ્તાક્ષર કરેલા પોસ્ટર્સ અને અન્ય કલેક્શનની પણ હરાજી કરવામાં આવી છે. જેના તેમને 7.18 કરોડ રૂપિયા મળ્યા છે. બીયોન્ડ લાઈફ કલબ, રીતિ એન્ટરટેઇન્મેન્ટ અને ગાર્ડીયન વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા આ ઓક્શનનું આયોજન કરાયું હતું. અગાઉ ઓગસ્ટ માસમાં તેમણે જાહેરાત કરી હતી કે બચ્ચન હવે ડિજિટલ બિઝનેશ કરશે. NFT કલેક્શન લોન્ચ કરશે.

NFT શું છે..??

એનએફટી એટલે નોન ફંગિબલ ટોકન. આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે. અસ્કયામતો કે જેના વ્યવહારો રોકડ અથવા અન્ય ઓનલાઈન માધ્યમો દ્વારા કરી શકાતા નથી તેને નોન-ફંજીબલ કહેવામાં આવે છે. આ વ્યવહારો સંપૂર્ણપણે વર્ચ્યુઅલ હોય છે. NFTs એ ડિજિટલ અસ્કયામતો છે, જે ક્રિપ્ટોકરન્સીની જેમ બ્લોકચેન ટેકનોલોજી દ્વારા નિયંત્રિત થાય છે. આ ટેક્નોલોજીની મદદથી ફોટા, વીડિયો અને અન્ય મૂલ્યવાન ડિજિટલ સંપત્તિઓની માલિકી સુનિશ્ચિત કરવામાં આવે છે. જે એકજ ખરીદનાર વ્યક્તિને આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.