બેટ જેટી, બજાર અને મંદિર વિસ્તારમાંથી ૫૦ ટેકટર કચરો નીકળતા તંત્ર ચોકી ઉઠયું
સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા હી સેવાનું આયોજન તા.૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓકટોબર સુધી કરવામાં આવેલ જે અંતર્ગત ઓખા કોસ્ટગાર્ડ દ્વારા દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. બેટ શંખોદ્વાર યાત્રાધામમાં સફાઈ અભિયાન ઓખા કોસ્ટગાર્ડ જવાનો તથા ઓખા શહેર ભાજપ યુવાનો દ્વારા ચલાવવામાં આવ્યું હતું. અહીંના જેટી, મેઈન બજાર, મંદિર વિસ્તારમાંથી ૫૦ ટ્રેકટર જેટલો કચરો મળી આવતા કોસ્ટગાર્ડ જવાનો સાથે સરકારી તંત્ર પણ ચોકી ઉઠયું હતું. ત્યારે આ કચરો દરીયાકાંઠે એકઠો કરી તેને આગ ચાપી સ્થળ પર જ કચરાનો નિકાલ કર્યો હતો.
અહીં ઓખા કોસ્ટગાર્ડ ડી.આઈ.જી. એમ.કે.સર્મા તથા તેમની ટીમના જવાનોએ સ્વચ્છતા કી આગ કભી નહી બુજેગીનો સંકલ્પ કર્યો હતો અને બેટની ચારે દિશાએ સફાઈ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં તેમની સાથે જોડાયેલા ભાજપ શહેર પ્રમુખ મોહનભાઈ બારાઈએ ઓખા નગરપાલિકાના સફાઈ અધિકારીઓને સ્વચ્છતા અંગેના કડક સુચનો કરી યાત્રાધામને સ્વચ્છ કરવા તુરંતમાં કડક પગલા લેવા અનુરોધ કર્યો હતો અને બેટના વેપારીને જાહેરમાં કચરો ન ફેંકવા કડક સુચના આપી હતી અને લોકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા વિનંતી કરવામાં આવી હતી.