સાબરકાંઠા: સરકારી ઓફિસમાં સેવકનું એક આગવું અને અગત્યનું કાર્ય હોય છે. ઓફિસની ચોકીદારી મોટાભાગે સેવકના હાથમાં હોય છે. અધિકારી અને સેવકનો સૂમેળ હોય તો ઓફિસનું વાતાવરણ સંચાલન સરળ અને સહજ ચાલતું હોય છે. ફરજ નિષ્ઠા, હુકમ પાલન અને કામકાજનું કઇ રીતે કાર્યપાલક કરવું તે અદના સેવકનું કર્તવ્ય હોય છે. ઓફિસમાં અધિકારીઓનું આગમન અને છેલ્લે ઓફિસ બંધ થાય ત્યાં સુધી સેવક અને અધિકારી સાથે સંવાદ ચાલતો હોય છે. તેમાં સંવેદના સાથે સૂર મળે તો કામ દિપી ઉઠે અને કામમાં કયાંય કચાશ રહે નહિ સારા અધિકારી મળે તો નસીબદાર પણ સારા સેવક મળે તો ભાગ્યશાળી ગણાય સેવકનું સર્વર અધિકારીની સફળતાની નિશાની હોય છે. સમગ્ર ઓફિસમાં પચાસ ટકા માહિતી સેવકના સર્વરમાં સંગ્રહાયેલી હોય જ છે. સેવા અને શિસ્તના પાલનનો પહેલો પહેરેદાર પટ્ટાવાળો જ હોય છે.
સરકારી સેવામાં નિમણૂક અને નિવૃતિ નિશ્ચિત હોય છે. પણ કર્મી જયારે નિવૃત થાય છે ત્યારે તેની સેવાની સુગંધ પ્રસર્યા વિના રહેતી નથી તમે કેવી સેવા કરી અને નિવૃતિ વેળાએ સન્માન સાથે સંવાદમાં સૌ સાથીઓ બે શબ્દો કહેતાહોફ તેમાં આખી સેવાનો નિચોડ આવી જતો હોય છે. પણ સૌ ના ભાગ્યમાં આવુ બનતુ નથી સેવકની સુવાસ દિલમાં ઉતરે તેમણે સાથી કર્મીઓ અધિકારીઓ આપેલા પ્રેમ હૂંફ નિષ્ઠા વફાદારી સાથે વિશ્વાસ સંપાદન કરો ત્યારે આ બધી નિપજ બહાર આવે છે.
આવો આપણે અદકેરા અદના સેવક બાબુલાલ કલાસવાની વાત કરીએ તો રાજસ્થાનના ઉંડાણના અંતરીયાળ ગામ ગુમાનપુરા તા દરીયાવત જિ. પ્રતાપગઢ ના વતની છે. અને માત્ર ધોરણ ૮ પાસ, માન-ગુમાન નહિ ન મનમાં અભિમાન પણ સ્વમાની અને તરવરીયા યુવાને દિલ્હી ખાતે ૧ જૂલાઇ ૧૯૮૩થી સેવકની શરૂઆત કરી અને પાંચ વર્ષ દિલ્હીમાં સેવક તરીકે ફરજ બજાવી ત્યાંથી ૧૯૮૮માં પાલનપુર ખાતે બદલી કરી ગુજરાતમાં આવ્યા એકાદ વર્ષ પાલનપુર નોકરી કરી ૧૯૮૯થી જિલ્લા માહિતી કચેરી હિંમતનગર-સાબરકાંઠામાં સેવારત રહ્યા તેમના નોકરીના કાર્યકાળ દરમિયાન ૧૭ જેટલા અધિકારીઓ સાથે પડછાયાની જેમ ખડેપગે રહ્યા અધિકારી-કર્મચારીઓનો વિશ્વવાસ સંપાદન કરી સેવક તરીકેની સુવાસ પ્રસરાવતા રહ્યા છે. આજે ૬૦ વર્ષે તેઓ નિવૃત થયા છે.
ઉલ્લેખનીય છે કે, તેમની સેવાની કદરના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક હિંમાંશુ ઉપાધ્યાય પણ આ કચેરીમાં ઇન્ચાર્જ ના.માનિ રહી ચુક્યા છે અને વડી કચેરીના નાયબ માહિતી નિયામક આર.એસ.પટેલ પણ આ જિલ્લા માહિતી કચેરીના હિસાબનીસ તરીકે સેવા આપતા ત્યારનો નાતો અને સેવાની કદરરૂપે ઉપસ્થિત રહીને સેવાની કદર કરી નિવૃતિની શુભેચ્છા પાઠવવા ખાસ ઉપસ્થિત રહ્યા તે જ તેમના સેવાની સુવાસ અને પ્રેમની પારાશિશી છે. અને સૌ અધિકારીઓના પ્રિય એવા અને સાથી કર્મીઓમાં લોકચાહના ધરાવતા કલાસવાને તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કોરોના મહમારીમાં પણ સેવા પ્રત્યે વફાદારી તેમણે બખૂબી છેલ્લા દિવસ સુધી નિભાવી છે. અને તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહીને સંકટના સમયે સાથ આપ્યો છે. તેમણે કરેલા કામો ડગલે ને પગલે આ કચેરીને યાદ રહેશે તેમણે આપેલો પ્રેમ-સેવા સદાય આ ઓફિસને યાદ રહેશે. આ સાથે જિલ્લા માહિતી કચેરીમાંથી બદલી થઇ ને ગાંધીનગર જતા એસ.એચ.અસારીને ભાવસભર વિદાય અપાઇ હતી. નિવૃતિ વેળાએ જિલ્લા માહિતી કચેરીના હિંમતનગર તથા અરવલ્લીના સ્ટાફ ગણ સહિત અન્ય કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.