કોંગ્રેસ લીડર અર્જુન મોઢવાડીયાના આક્ષેપો: બોખરિયાએ પોરબંદર જીલ્લા સહકારી સંઘને મસમોટું નુકશાન કરાવ્યું
ભાજપના વરિષ્ઠ નેતા બાબુ બોખરીયાના સંતાનો આકાશ અને પૃથ્વી રાજશાખાએ અમુલ કંપનીને રૂ ૩૫ કરોડનો ચુનો ચોપડયો હોવાનો કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ આક્ષેપ મુકયો છે.
અર્જુન મોઢવાડીયાએ કહ્યું છે કે, બાબુ બોખરીયાના પરિવાર, સ્ટેટ કો-ઓપરેટીવ રજીસ્ટ્રાર નલીન ઉ૫ાઘ્યાય, જીસીએમએમ એફના ચેરમેન રામસિંહ પરમાર અને તેના એમડી આર.એસ. સોઢી આ તમામ લોકોએ સંયુકત મળી પોરબંદરમાં એક અલગ ડેરી સ્થાપી છે. જે સંપૂર્ણ પણે બોખરીયાના સંતાનો દ્વારા ચલાવાય છે. અમુલનું પાછલા દરવાજેથી ખાનગી કરણ કરી બોખરીયાએ પોરબંદર જીલ્લા દુધ સંઘને રૂ ૩૫ કરોડનું નુકશાન પહોચાડયું છે અને પોરબંદરના ખેડુતો સાથે અન્યાય કર્યો છે.
કોંગ્રેસ લીડર મોઢવાડીયાઅ વધુમાં જણાવતા કહ્યું કે, અમુલ સાથે જોડાયેલા પોરબંદર જીલ્લા સહકારી સંધે બોખરીયાના કારણે મીલ્ક પ્રોસેસ અને પેકેજીંગનું કામ કામધેનુ એન્ટરપ્રાઇઝને સૌપી દીધું છે. અને આ માટે બોર્ડની મંજુરી પણ લીધી છે. આ કામ સહકારી કાયદાઓની વિરુઘ્ધ છે.
અગાઉ પણ અમૂલમાં રાજકારણના કારણે આર્થિક નુકશાન થયું હોવાના આક્ષેપો થઇ ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ બાબુ બોખીરીયાના સંતાનો સામે કરેલા ગંભીર આક્ષેપોથી વિવાદ વધુ વકરશે તેવી ધારણા છે.