પ્રચંડ ધડાકાના કારણે આજુબાજુના મકાન ધણધણી ઉઠયા: સવારની ચા બનાવે તે પહેલાં જ દુર્ઘટના સર્જાય: બે બાળકોનો ચમત્કારીક બચાવ.
બાબરા તાલુકાના ત્રંબોળા ગામે દલિત પરિવારના મકાનમાં ગઇકાલે સવારે રાંધણ ગેસનો બાટલો ધડાકા સાથે ફાટતા સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલી નવ વ્યક્તિઓ પૈકી મહિલા સહિત બેના સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. બ્લાટસના કારણે આજુબાજુના મકાન ધણધણી ઉઠયા હતા. દલિત પરિવારના બે બાળકોનો ચમત્કારીક બચાવ થયો હતો. એક જ પરિવારની બે વ્યક્તિના મોત અને આઠ ગંભીર રીતે દાઝતા કોઇ કોઇની દેખભાળ કરી ન શકે તેવી સ્થિતી સર્જાય છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ત્રંબોળા ગામે રહેતા ખોડાભાઇ ખીમાભાઇ જાદવના મકાનમાં ગઇકાલે વહેલી સવારે ચા બનાવતી વેળાએ ગેસ સિલીન્ડર લિકેજ હોવાથી બાટલાનું રેગ્યુલેટર બંધ કરવા જતા અચાનક બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટની સાથે જ આખુ મકાન આગની લપેટમાં આવી ગયું હતું અને આજુ બાજુના રહીશોના મકાન પણ ધણધણી ઉઠયા હતા. ખોડાભાઇ જાદવના પરિવારજનો સુતા હતા તે તમામ આગના કારણે ગંભીર રીતે દાઝયા હતા. આગની લપેટમાં આવેલી તમામ ઘરવખરી પણ સળગીને રાખ થઇ ગઇ હતી.
ગંભીર રીતે દાઝેલા ખોડાભાઇ ભીમાભાઇ જાદવ (ઉ.વ.૬૦), અને હેતલ રામજીભાઇ જાદવ નામની ૨૦ વર્ષની યુવતીના સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા. જયારે પ્રેમજીભાઇ ખોડાભાઇ જાદવ (ઉ.વ.૩૦), અરજણભાઇ ખીમાભાઇ જાદવ (ઉ.વ.૪૫), નરેશ અરજણ જાદવ (ઉ.વ.૨૦), મોહન દેવાભાઇ જાદવ (ઉ.વ.૩૦), રવજીભાઇ નાનજીભાઇ જાદવ (ઉ.વ.૪૫) રામજીભાઇ ભીમાભાઇ જાદવ (ઉ.વ.૫૫), અને શારદાબેન પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૨૮)ને સારવાર માટે અમરેલી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રાંધણ ગેસના બાટલો લિકેજ થયા બાદ આખુ મકાન આગની લપેટમાં આવી ગયાની જાણ થતા ત્રંબોળા ગામના મોટી સંખ્યા ટોળા એકઠાં થઇ ગયા હતા. બાબરા પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે.
દલિત પરિવાર ભરત કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રેમજીભાઇના ચિરાગ (ઉ.વ.૭) અને રાકેશ (ઉ.વ.૪) વહેલી સવારે ઉઠીને ગામના પાદરમાં રમવા જતા રહ્યા હોવાથી તેઓનો આબાદ બચાવ થયો હતો. બ્લાસ્ટની જાણ થતા બંને બાળકો પોતાના ઘરે દોડી આવ્યા હતા તે દરમિયાન મકાન આગની લપેટમાં આવી ગયું હતું અને પરિવારજનો ગંભીર રીતે દાઝેલી હાલતમાં બચાવો બચાવોની બુમો પાડી રહ્યા હતા. દલિત પરિવારની બે વ્યક્તિના મોત અને આઠ વ્યક્તિઓ સારવાર હેઠળ હોવાથી બંને મૃતકની અંતિમ વિધી ગામજનો દ્વારા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં કોઇ કોઇની દેખભાળ કરી શકે તેમ ન હોવાની ક‚ણાંતિકા સર્જાય છે.