માતાએ ટીવી જોવા બાબતે ઠપકો આપતાં જીવન ટુકાવ્યાનું પ્રાથમિક તારણ
અબતક રાજકોટ
બાબરા તાલુકાના ગરણી ગામે રહેતી યુવતીએ પોતાના ઘરે એસિડ ગટગટાવી લેતાં તેણીને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. માતાએ ટીવી જોવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી જતાં પુત્રીએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાબરા તાલુકાના ગરણી ગામમાં રહેતી શ્રદ્ધા નવઘણભાઈ સરવૈયા નામની 19 વર્ષની યુવતીએ પોતાના ઘરે એસિડ પી આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જે અંગે પોલીસને જાણ થતાં બાબરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક શ્રદ્ધા ઘરમાં દિવાળીનું કામ ચાલુ હોય છતાં પણ ટીવી જોતી હોય જે બાબતે તેણીની માતા નયનાબેનએ ઠપકો આપી ઘર કામ કરવા બાબતે જણાવ્યું હતું. માતાના કડવા વેણ પુત્રીને સહન ન થતાં તેણીએ પોતાના ઘરે જ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.